શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (15:47 IST)

આરોગ્યક્ષેત્રે ગુજરાતનું ૧૦૮ સફળ મોડલ - ૧ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૩૮ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા

new  ambulances
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૨૯ ઓગસ્ટ-૨૦૦૭ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સર્વિસ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક-આદર્શ મોડલ સાબિત થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે જે ગુજરાતના કરોડો નાગરિકો માટે આશિર્વાદ સમાન છે. 
 
ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે કાર્યરત ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા ઓગસ્ટ-૨૦૨૨  સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧,૩૮,૭૧,૪૧૮ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રસૂતિ સંબંધી ૪૭,૧૯,૧૪૧ સેવાઓ, માર્ગ અકસ્માતના કિસ્સામાં ૧૭,૧૭,૦૮૫, તેમજ જીવ બચાવવા સંબંધી ૧૨,૮૦,૨૪૨ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે એમ્બ્યુલન્સમાં-સ્થળ ઉપર કુલ ૧.૨૧ લાખથી વધુની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. 
 
ગુજરાતના અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, જામનગર, વલસાડ અને અમદાવાદ જિલ્લાના ૧૦૮ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયન્સ-EMTs અને પાયલોટે  ઇજાગ્રસ્તો પાસેથી મળેલી અંદાજે રૂ.૧૦ લાખની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ રજૂ કર્યુ છે. 
 
GVK દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.  જે અંતર્ગત ગુજરાતભરમાં સપ્ટેમ્બર-૨૦૧૨ થી કાર્યરત ૪૬૭ ખિલખિલાટ વાનનો ૭૫.૧૬ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૧૪૮ વાન થકી ૧.૭૪ કરોડથી વધુ નાગરિકોને લાભ લીધો છે. માર્ચ-૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૦.૫૮ લાખથી વધુ કોલ એટેન્ડ તેમજ ૪૭ વાન દ્વારા ૨.૧૫ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે. 
 
ગુજરાતમાં ઓક્ટોબર-૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ ૬૬.૪૪ લાખ કોલ એટેન્ડ કરાઇને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. મે-૨૦૧૮માં ગુજરાતમાં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૫૩૪ નાગરિકોને બચાવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના ૮ જિલ્લાઓમાં ફેબ્રુઆરી-૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૧૨ કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. 
 
૧૦૮ દ્વારા ગુજરાતમાં નવતર પહેલના ભાગરૂપે માર્ચ-૨૦૨૦માં ૧૧૦૦ ટેલિ મેડિસિન એટલે કે ઘરે બેઠા ટેલિફોન પર ડૉક્ટરનું માર્ગદર્શન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં તબીબી સલાહ, કાઉન્સેલીંગ, કોવિડ-૧૯ અને વિવિધ આરોગ્ય સંબંધિ સેવાઓ માટે કુલ ૪.૧૭ લાખથી વધુ કોલ તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક એટેન્ડ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.       
 
જીવદયાને વરેલી ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમ ઓક્ટોબર-૨૦૧૭માં ૧૯૬૨ એનિમલ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૪.૫૯ લાખથી વધુ કોલ તેમજ ૩૭ વાન દ્વારા રાજ્યભરમાં ૪.૩૮ લાખ પશુઓને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત જૂન-૨૦૨૦માં ગુજરાતમાં સૌ પ્રથમ ફરતા પશુ દવાખાનાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ૪૬૦ ફરતા પશુ દવાખાના દ્વારા કુલ ૬૯.૮૪ લાખથી વધુ પશુઓને વિવિધ સ્વરૂપે ઇમરજન્સી સારવાર આપવામાં આવી છે. 
 
આ ઉપરાંત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દીવ-દમણમાં છેલ્લા ૧૦ વર્ષથી સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહી છે જેમાં જૂન-૨૦૨૨ સુધીમાં ૩.૪૫ લાખથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. 
 
ગુજરાતભરમાં ૧૦૮ની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ યોગ દિવસ, નેશનલ ડૉક્ટર્સ ડે જેવા મહત્વના દિવસો ઉજવીને સતત લોકજાગૃતિના કાર્યો કરવામાં આવે છે. આ સિવાય ૨૪ કલાક નાગરિકોની સેવામાં કાર્યરત ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયન્સ-EMTs, પાયલોટ અને સમગ્ર ૧૦૮ના કર્મીઓને તેમની શ્રેષ્ઠ કામગીરીની કદર કરીને અમદાવાદ ખાતે કાર્યરત ૧૦૮ની ટીમ દ્વારા વિવિધ સન્માન આપી બિરદાવવામાં આવે છે.