મોદી સ્ટેડિયમની આસપાસ 14 પાર્કિંગ પ્લોટમાં 15,000 ટૂ-વ્હીલર, 4,750થી વધુ ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે
19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ હાઇ પ્રોફાઇલ મેચને જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને એમાં પણ વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોય ત્યારે સ્ટેડિયમની એકપણ સીટ કેવી રીતે ખાલી મળે.
મેચના દિવસે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાઉસફુલ હશે તથા મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન સાથે પણ મેચ જોવા પહોંચશે. ત્યારે આ દર્શકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે એ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે.
Show My Parking નામની એપ્લિકેશન મારફત ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 14 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટૂ-વ્હીલર માટે, એક પ્લોટ ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 10 પ્લોટ ફોર-વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 14 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટૂ-વ્હીલર અને 4,750 જેટલાં ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે.