રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2023 (13:43 IST)

રાજુલામાં મૃત વ્યકિતના નામે વીમા પકાવવાનું 15 કરોડનું કૌભાંડ, વિમા એજન્ટ સહિત 4 ઝડપાયા

rajula
રાજુલામા ડોકટર, વિમા એજન્ટ સહિતના લોકો મૃત વ્યકિતના નામે બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી તેમના ખાતામા વિમા પોલીસીઓ જમા કરી રકમ ચાઉં કરી જવાનુ જબ્બર નેટવર્ક ચલાવતા હતા. પરંતુ પોલીસે આ નેટવર્કનો પર્દાફાશ કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર કૌભાંડ 15 કરોડ સુધી પહોંચે તેવી શકયતા જોવાઇ રહી છે.

હાલમા આ બારામા માત્ર એક કિસ્સામા ગુનો નોંધવામા આવ્યો છે.આ ચારેય શખ્સો રાજુલામા કાર લઇને જતા હતા ત્યારે પોલીસે તેની તલાશી લીધી હતી. કારમાથી મોટા પ્રમાણમા બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, વિમા પોલીસીઓ, બેંકની પાસબુકો, ચેકબુક વિગેરે મળી આવ્યું હતુ.અહી અંકુશ ભીખુભાઇ જીંજાળા નામના નાની ખેરાળીના યુવકનુ આધારકાર્ડ મળ્યું હતુ. જેનુ ચાર માસ પહેલા મોત થયુ હતુ. ઉપરાંત ભળતા જ નામવાળુ અર્જુન ભીખુભાઇનુ મોટી ખેરાળીનુ પણ આધારકાર્ડ મળ્યું હતુ. જેમા ડુંગરપરડાના લાલજી નાનજી બાંભણીયાનો ફોટો લગાવેલો હતો. આ શખ્સો જે વ્યકિત ગંભીર બિમાર હોય તેના પરિવારને લાલચમા નાખી ડોકયુમેન્ટ મેળવી ભળતા સળતા નામવાળા બોગસ ડોકયુમેન્ટ પણ ઉભા કરતા હતા અને તેના નામની જુદીજુદી કંપનીમાથી પોલીસી લેતા હતા. બાદમા વ્યકિતનુ મોત થાય પછી આ પોલીસીઓની રકમ મેળવી બધા ભાગ પાડી લેતા હતા.

આ રીતે સમગ્ર રાજુલા તથા આસપાસના વિસ્તારમા તેમણે મોટા પ્રમાણમા બોગસ પોલીસીઓ ઉભી કરી હતી. બોગસ ડોકયુમેન્ટના આધારે આ ચીટર ગેંગે જુદી જુદી વિમા કંપનીઓને 14 થી 15 કરોડનો ચુનો લગાડયો હોવાનુ તપાસમા ખુલવાની શકયતા છે. અહી મૃત વ્યકિતઓના નામે વિમા પોલીસી લેવામા આવતી હતી. જેમા સરકારી વિમા કંપનીઓ પણ છે. આ ઉપરાંત બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ પણ નીકળ્યાં હતા. આમ સરકારી અને અર્ધ સરકારી એજન્સીઓની પણ સંડોવણી ખુલી છે.આ વિસ્તારના ગંભીર બિમારીવાળા અને બચી ન શકે તેવા દર્દીને ગોતી તેના પરિવારને વિમાની રકમ મળશે તેવી લાલચમા નાખી તેમના તમામ ડોકયુમેન્ટ મેળવતા હતા. વિમા પોલીસી પાકે ત્યારે મૃતકના પરિવારને પણ થોડી રકમ આપવામા આવતી હતી.આમ તો આ સમગ્ર નેટવર્ક મિલીભગતથી ચાલતુ હતુ અને બધાને ભાગ બટાઇનો લાભ મળતો હોય વિગતો છુપી રહી શકી હતી. પરંતુ ભાગ બટાઇમા વાંધો પડતા પોલીસ સુધી બાતમી પહોંચી હતી.પોલીસે ઝડપાયેલા ડોકટર અને વિમા એજન્ટ સહિત ચાર શખ્સો પાસેથી રૂપિયા 15 લાખની કિમતની બે કાર, 10 મોબાઇલ, આધારકાર્ડ, પાનકાર્ડ, વિમા પોલીસીઓ, ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ વિગેરે મળી 16.08 લાખનો મુદામાલ કબજે લીધો છે.