1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (15:42 IST)

વાહનચાલકો આનંદો! હવે ટ્રાફિકના દંડ પર લાગશે 18% જીએસટી ટેક્સ, ટ્રાફિક પોલીસની જાહેરાત

કેન્દ્ર સરકારે અનેક વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યો છે, ત્યારે હવે સુરતના લોકો જો ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો તેમને જે દંડ ભરવાનો આવશે તેના ઉપર 18% જેટલો જીએસટી ભરવો પડશે. સુરત ટ્રાફિક પોલીસે આ અંગેનું એક જાહેરનું પણ બહાર પાડ્યું છે. મહત્વનું છે કે આજથી સુરત ટ્રાફિક પોલીસે ખોટી જગ્યા પર પાર્ક થયેલા વાહનોને ઉઠાવવા માટે નવા કોન્ટ્રકટરને કામગીરી સોંપી છે, જેના વાહનોનું આજે લોકાર્પણ કરાયું હતું, નવા વર્ષથી હવે નવો જીએસટીનો માર સુરતીઓ પર લાગુ થયો છે.
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દરરોજ વકરી રહી છે, એક તરફ મહાનગર પાલિકા પાર્કિંગ પોલીસી બનાવી રહી છે, જેમાં રસ્તા ઉપર વાહોનો પાર્ક કરવા માટે નિયત કરેલી ફી લોકોએ ચૂકવવી પડશે, જેમાં ઓફ સાઈડ અને ઓન સાઈડ પાર્કિંગ ઉપરાંત પ્રીમીયમ પાર્કિંગના દર પણ નક્કી કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આજથી સુરત શહેર પોલીસે ગેરકાયદેસર પાર્કિંગ એટલે કે નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરતા વાહનોને હટાવવા કે ટોઈંગ કરવા માટે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. 
આજથી આ કામગીરી શરુ કરવામાં આવી છે, નવી એજન્સી પોતાના નવા વાહનો સાથે શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ઉપડશે, મહત્વનું છે કે પહેલી વખત ફોર વ્હિલને ટોઈંગ કરવા માટેની ખાસ હાઈડ્રોલિક ક્રેઇન પણ ઉપયોગ લેવાશે. આવી 15 ક્રેઈનોનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ટુવ્હીલરને ટોઈંગ કરવા માટે પણ નવી ક્રેઇન ઉપયોગમાં લેવાશે જેમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. તો શહેરના ઉદ્યોગકારોએ પોતાના ફંડમાંથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સાથે મળી 20 જેટલી હાઇસ્પીડ મોટરસાઈકલ પણ ટ્રાફિક પોલીસને આપી છે.પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું હતું કે સુરત ટ્રાફિક પોલીસે વાહન ટોઈંગની નવી કામગીરી શરુ કરવા સાથે દંડની રકમ અંગેની પણ જાહેરાત કરી છે, જેમાં હવે દંડ સાથે જીએસટી પણ ભરવો પડશે. 
પોલીસે જણાવ્યું છે કે જો એક ટુવ્હીલરને જ્યારે કોઈ ક્રેઇન ટોઈંગ કરી લઈ જશે તો તેને છોડાવા માટે વાહન ચાલકે રૂ. 100 સમાધાન પેટે આપવાના રહેશે. તે સાથે જ 75 રૂપિયા ટોઈંગનો ચાર્જ અને સાથે 18% જીએસટી અલગ થી લાગશે, આમ ટુવ્હીલર ચાલકે કુલ 188.50 રૂપિયાનો દંડ ભરવો પડશે, જેમાં જીએસટીની રકમ રૂ. 13.50 હશે.આવી જ રીતે જો કોઈ ફોર વ્હીલરને ક્રેઈન ટોઈંગ કરીને લઇ જશે તો તેમાં પણ વાહન ચાલકે રૂ. 100 સમાધાન પેટે આપવાના રહેશે. તે સાથે જ 500 રૂપિયા ટોઈંગનો ચાર્જ અને સાથે 18% જીએસટી અલગ થી લાગશે, આમ ટુવ્હીલર ચાલકે કુલ 690 રૂપિયાનો દંડ ભરવો પડશે, જેમાં જીએસટીની રકમ રૂ. 90 હશે. 
જોકે ટેક્સની રકમ જે કોન્ટ્રાકટર છે તે લેશે. આમ હવે ગેરકાયદેસર વાહન પાર્ક કરવામાં આવશે અને જો પોલીસ ઊંચકી જશે તો જીએસટી ભરવો પડશે.સુરત મહાનગર પાલિકાને રાજ્ય સરકાર પાસેથી પાર્કિંગ પોલીસી લાગુ કરવાની મંજુરી મળી છે. જેમાં વાહનો પાર્ક કરવાના બદલામાં ચાર્જ વસુલવામાં આવશે. આ અંગે પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કહ્યું હતું કે શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા રહે તે માટે પાર્કિંગ પોલીસી લાગુ કરવામાં આવી છે, જે આવકાર દાયક છે, પોલીસ અને માનપા સાથે મળી ને પાર્કિંગ પોલીસી લાગુ કરશે જેથી લોકોને તકલીફ ન પડે, અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળે.