વડોદરામાં કારચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ ઈ મેમો ફટકારાયો
વડોદરા શહેરના હરણીરોડ વિસ્તારમાં એક યુવકને પોલીસે તેની કારનંબરના આધારે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવા બદલ ૧૦૦ રૃપિયાનો દંડ ભરવા માટે ઈ-મેમો મોકલવામાં આવતા કારચાલક ચોંકી ઉઠયો હતો. આ અંગે તેણે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવા પોલીસે પોતાની ભુલ સ્વીકારી હતી અને સાંજે કારચાલકને પોલીસ ભુવનમાં બોલાવીને તેને મોકલાવેલો ઈ-મેમો રદ કર્યો હતો. ગઈ કાલે બપોરે તેમના ઘરે ટ્રાફિક પોલીસને ઈ-મેમો આવ્યો હતો જેમાં તેમની કારના નંબર અને નામ-સરનામાની વિગતો હતી અને હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ તેમને ૧૦૦ રૃપિયો દડ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું
જોકે ઈ-મેમોમાં બતાવેલા ફોટામાં તેમની કાર ક્યાંય દેખાતી ન હોઈ અને કારચાલકે હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ દંડ કરાયાની વિગતો જાણી મિલિન્દભાઈએ તુરંત ટ્રાફિક વિભાગમાં ફોન કરી સમગ્ર વિગતો જણાવી હતી. જોકે ટ્રાફિક પોલીસે તેમને ગોળગોળ જવાબો આપી ભુલ સ્વીકારના બદલે તમારી વિગતો ભુલથી નખાઈ ગઈ હશે તેમ જણાવ્યું હતું. આ અંગે હોબાળો મચ્યા બાદ આજે આજે સાંજે ટ્રાફિક પોલીસે મિલિન્દભાઈને પોલીસ ભુવન ખાતે બોલાવ્યા હતા અને પોતાની ભુલ સ્વીકારી તેમનો ઈ-મેમો રદ કરવાની કાર્યવાહી કરી હતી.