બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (12:38 IST)

પાદરામાં પ્રેમનો કરુણ અંજામઃ બંને કિશોર વયના પ્રેમીઓએ ઝેર ગટગટાવ્યું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કિશોર અવસ્થામાં પાંગરેલા પ્રેમનો કરૃણ અંજામ આવ્યો હતો. ગત ગુરૃવારે માત્ર ૧૭ વર્ષના કિશોર અને ૧૫ વર્ષની કિશોરીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો જેમાં કિશોરનું આજે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું જ્યારે કિશોરી સારવાર હેઠળ છે.
પાદરા તાલુકામાં બનેલા આ બનાવની વિગતો એવી છે કે ૧૭ વર્ષના કિશોરે ગત વર્ષે ધો.૧૦ની પરીક્ષા આપી હતી પરંતુ ફેઇલ થયો હતો જ્યારે ૧૫ વર્ષની કિશોરી હાલમાં ધો.૧૦માં ભણી રહી છે. ગામમાં ચર્ચા એવી છે કે આ બન્ને વચ્ચે પ્રેમ હતો અને ગુરૃવારે કિશોરી શાળાએથી છૂટીને ઘરે જઇ રહી હતી ત્યારે કિશોરે તેને રસ્તામાં આંતરી હતી અને બન્ને ગામના નિર્જન સ્થળે ગયા હતા. કિશોર પોતાની સાથે ખેતરમાં છાંટવાની ઝેરી દવા લઇને આવ્યો હતો અને બન્ને જણે ગટગટાવી લીધી હતી. 
કિશોર અને કિશોરી બેભાન અવસ્થામાં પડયા હતા અને કોઇ રાહદારીનું ધ્યાન જતા ગ્રામજનોને કહ્યું હતું. કિશોર અને કિશોરીના પરિવારજનો દોડી આવ્યા હતા અને બન્નેને સારવાર માટે પહેલા મુવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા અને ત્યાંથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં કિશોરનું આજે મોત થયુ હતું. ૧૭ વર્ષનો કિશોર અને ૧૫ વર્ષની કિશોરીના ઝેરી દવા પી લેવાના બનાવમાં કિશોરીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે આ એક તરફી પ્રેમ હતો.કિશોરે બળજબરીથી કિશોરીને ઝેર પીવડાવી દીધુ છે.