શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (12:00 IST)

વડોદરા ખાતેના રિલાયન્સ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 3 નાં મોત

વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ કંપનીના ધનોરા ગામ પાસેના પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ થતા ત્રણ કામદારોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
રિલાયન્સ કંપનીના ધનોરા પ્લાન્ટ તરીકે ઓળખાતા ધનોરા ગામ નજીકના યુનિટમાં આજે વહેલી સવારે નાઈટ શિફ્ટના કર્મચારીઓ કામ કરતા હતા. તે સમયે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ત્રણ કર્મચારીઓના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ કર્મચારીઓને નજીકની ખાનગી હોસ્પિટલ અને શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલ કર્મચારીઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યુ છે જ્યારે મૃત્યુઆંક પણ વધે તેવી સંભાવના છે. બ્લાસ્ટમાં મારનાર કર્મચારીઓની પ્રાથમિક માહિતી પ્રમાણે તેઓના નામ મહેન્દ્ર જાદવ, અરુણભાઈ તેમજ પ્રિતેશ પટેલ હોવાનું સ્થાનિક કામદારો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કંપની દ્વારા કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.