મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (18:45 IST)

ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં વીજળી પડતા અફરાતફરી, 2 ના મોત

ગુજરાતમાં હાલ ચોમાસાની સિસ્ટમ સક્રિય છે. કડકા ભડાકા સાથે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે પણ વાદળના ઘર્ષણથી પડતી વીજળી કારણે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે ઊંઝા તાલુકાના ઉપેરા ગામે વીજળી  પડતાં અફરાતફરીનો માહોલ સજાર્યો હતો. 2 લોકોના ઘટના સ્થળે મોત થાય હતા
 
ઊંઝા તાલુકાના ઉપેરા ગામે ફુલેશ્વરી માતાજીની ઉજવણીમાં ગ્રામજનો એકઠા થયા હતા, વરસાદી માહોલ જામ્યો હતો, કડકા ભડાકા વચ્ચે લોકો બહાર નીકળી માતાજીની ઉજવણી રંગેચંગે કરી રહ્યા હતા ત્યારે અચાનક જ વીજળીનો ચમકારો થયો હતો અને ઉત્સવ માતમમાં ફેરવાઇ ગયો હતો. અફરાતફરીના દ્રશ્યો સજાર્યા હતા. વીજળી મોટા કડાકા સાથે ગામમાં પડી હતી જેમાં ઉત્સવથી થોડે દૂર ઉભેલા રમકડાં વેંચવા વાળા 3 ફેરિયા ભોગે ચડયા હતા. વીજળી પડતાં 2 લોકો ઘટના સ્થળે જ ભડથું બની ગયા હતા જ્યારે 1 ફેરિયો ગંભીર રીતે ઘવાયો હતો. ગ્રામજનો તરત ઘટના સ્થળે દોડી ગયા હતા અને  ઇજાગ્રસ્ત થયેલા ફેરિયાને ઊંઝા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. 
 
આ પહેલા પણ 14 સપ્ટેમ્બરના રોજ જામકંડોરણામાં વીજળી પડતા એકનું મોત નીપજ્યું હતું, ગજામદાદર ગામે ખેતરમાં મજૂર કામ કરી રહ્યો હતો જે દરમિયાન અચાનક વીજળી પડતાં યુવક આગમાં ગંભીર રીતે દાઝી ગયો તો આ ઉપરાંત એ જ દિવસે ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં બ્લોક નંબર 11 પાસે વીજળી પડી હતી જેમાં લીમડાના વૃક્ષ પાસે ઉભેલા કર્મચારીનનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.  આ પહેલા  10 સપ્ટેમ્બરના રોજ ખેરાલુના ચાણસોલ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત થયું હતુ.  આમ છેલ્લા અઠવાડિયામાં જ વીજળીને કારણે 5 લોકોના ગુજરાતમાં મોત થયા છે.