કચ્છના રાપરથી 16 કિ.મી. દૂર 3.1ની તીવ્રતાનો આફ્ટરશોક, લોકોને ભૂકંપની યાદ આવી
કચ્છની ધરતી આજે શુક્રવારે ફરી વધુ ધરતીકંપના આંચકાને પગલે ધ્રુજી ઉઠી હતી. આજે સવારે 10.16 મિનિટે વાગડના રાપરથી 16 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા 3.1ની તીવ્રતાના આફ્ટરશોક અનુભવાયો હતો. જોકે આ વિસ્તારમાં આવતા કાયમી આફ્ટરશોકના કારણે લોકોએ ખાસ ગંભીરતા લીધી નહોતી. પરંતુ 12 વાગ્યાના અરસામાં ફરી જોરદાર અવાજ સાથે ધડાકો થતા લોકોને 2001નો ભુકંપ યાદ આવી ગયો હતો.
પૂર્વ કચ્છના ઔધોગિક એકમ ગાંધીધામ અને ઐતિહાસિક શહેર અંજાર અને તાલુકાઓમાં આજે 12.25 મિનિટે જોરદાર અવાજ સાથે ધડાકો થયાનો અનુભવ લોકોને થયો હોવાનું જાણવા મળ્યું છે. અવાજ એટલો બધો ભયંકર હતો કે જાણે કોઈ મોટા વાહનો ટકરાયા હોય કે અકસ્માત સર્જાયો હોય, પરંતુ આ અવાજ છેક ગાંધીધામ શહેરથી લઈ અંજાર અને તેના ગ્રામ્ય વિસ્તારો સુધી સંભળાયો હતો. જેના પગલે ઘર, ઓફીસ અને દુકાનોમાં રહેલા લોકો ઘડીભર માટે ચોંકી ગયા હતા અને ભેદી ધડાકો હોવાનું માલુમ પડ્યા બાદ મોબાઈલ ફોન મારફતે એકમેકની ખબર પૂછતાં જોવા મળ્યા હતા.
કચ્છના 2001ના 26 જાન્યુઆરીના આવેલા ભયાનક ભૂંકપને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં આજ દિન સુધી ઝોન 5માં આવતી કચ્છની ધરતી સતત ધણધણી રહી છે. અત્યાર સુધી નાના મોટા આફ્ટરશોકની સંખ્યા હાજરોને પાર પહોંચી ગઈ છે. જેમાં વધારો કરતો વધુ એક આંચકો આજે સવારે વાગડના રાપર નજીક અનુભવાયો હતો.