શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (10:37 IST)

ગોંડલમાં હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં કેમિકલ બેંકના વેલ્ડિંગ સમયે અકસ્માત, 3 શ્રમિકના મોત

gondal accident
ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. જેમાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની બેંકમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અકસ્માત થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી (ઉં.વ.25), સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉં.વ. 22) અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્મા (ઉં.વ.33)ના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા PSI એસ.જી. કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પી.બી. વાલાણી દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.અકસ્માત કઈ રીતે થયો તે હજુ બહાર આવ્યું ન હોય પોલીસે તપાસ હાથ ધરી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય યુવાનો વહેલી સવારે ચાર વાગ્યે કેમિકલની બેંકમાં વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા અને અકસ્માત થયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજયું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે.