1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2019 (12:46 IST)

ગુજરાતમાં સાડા ત્રણ વર્ષમાં ૩૭ હજાર બાળકો ગુમ થયાં

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ સમગ્ર રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થતાં રાજ્યના પોલીસ વડાએ ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાઓની અધ્યક્ષતામાં એક બેઠક કરી રાજ્યના કાયદો ને વ્યવસ્થાની ચિંતા વ્યક્ત કરી હતી. અનેક જિલ્લાઓ અને મોટાં શહેરોમાં દિન-પ્રતિદિન ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. 
દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવા છતાં પણ બુટલેગરો પાસેથી કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી બાળકો ગુમ થવાના બનાવો વધી ગયા છે. આવાં બાળકોના ગુમના મામલામાં પોલીસ ફરી તેમને શોધી ન શકતાં આ સંખ્યામાં ઉત્તરોતર વધારો થતા દેશમાં ગુજરાત બાળકોના ગુમના મામલે પ્રથમ ક્રમે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોની ઉઠાંતરીના બનાવો વધી ગયા છે. બાળકોનાં માતા-પિતા દ્વારા પોલીસમાં ફરિયાદ આપવા છતાં બાળક મળી ન આવવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બાળકો ગુમ થવાના મામલે હવે ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવે છે. તા. ૨જી જૂન, ૨૦૧૫થી ૨૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં ગુજરાતમાંથી દર મહિને ૮૮૨ જેટલાં બાળકો ગુમ થયાં હતાં.
આ આંકડાઓ મુજબ ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં ૩૭,૦૬૩ બાળકો ગુમ થયાં હતાં. દુ:ખની વાત એ છે કે તેમાંથી મોટાભાગનાં બાળકો ક્યારેય પાછાં મળતાં નથી. ગુજરાત પછી બાળકો ગુમ થવા મામલે બીજો નંબર મધ્ય પ્રદેશનો આવે છે. ગત લોકસભામાં વીરેન્દ્ર કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાડા ત્રણ વર્ષના સમય દરમિયાન દેશમાંથી ફુલ ૧.૬૧ લાખ બાળકો ગુમ થયાં છે. ૧.૬૧ લાખમાંથી ૩૭,૦૬૩ હજાર બાળકો એકલા ગુજરાતમાંથી અને ૩૨,૯૨૫ બાળકો મધ્ય પ્રદેશમાંથી ગુમ થયાં છે.