1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2022 (09:53 IST)

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અમદાવાદ આવતી 50 બસ, 8 ટ્રેન અધવચ્ચે રોકાઈ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ આવતી 50 બસ અને 8 ટ્રેનને અધવચ્ચે જ અટકાવવાની ફરજ પડી હતી. ગુરુવાર બપોર પછી હાઈવે પર પાણી ફરી વળતાં મોટાભાગની એસટી બસોને સુરત અટકાવી દેવામાં આવી હતી. નવસારી ડેપોની 300થી વધુ ટ્રીપ રદ કરવાની ફરજ પડી હતી.ગુજરાત એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા, પાર અને અંબિકા નદીમાં પૂર આવી ગયું છે અને વરસાદી પાણી રોડ સહિત આસપાસના વિસ્તારોમાં ભરાઈ ગયા છે. જો કે બપોર બાદ વરસાદ બંધ થતા રાત સુધી પાણી ઓસરે તેવી શક્યતા છે.આવા સંજોગોમાં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સુરતથી આગળ જતી તમામ ટ્રીપો રદ કરી દેવાઈ છે.

તેની સાથે જ વલસાડ, નવસારી, સુરત અને બિલીમોરા ડેપોની બસોનું સંચાલન ખોરવાઈ ગયું છે. અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાંથી દક્ષિણ ગુજરાત તરફ જતી તમામ બસોને સાવચેતીના ભાગરૂપે સુરત ખાતે જ અટકાવી દેવામાં આવી હતી અને આગળની મુસાફરી રદ કરી ત્યાંથી જ પરત મોકલવામાં આવી છે. એસટી અધિકારીઓ હાલ સરકારના સંપર્કમાં છે.દક્ષિણ ગુજરાતના નવસારી અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિને પગલે અમદાવાદ આવતી કેટલીક ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચે અપ અને ડાઉન લાઈનની ટ્રેનોને અલગ અલગ સ્ટેશન પર રોકી રાખવામાં આવી હતી