1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 22 માર્ચ 2023 (10:15 IST)

દક્ષિણ ભારતના 5 પ્રમુખ રાજ્યોના 51 મંદિરો 1001 પૂજા યજમાન અને હજારો શ્રદ્ધાળુ વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી સોમનાથ મંદિર સાથે જોડાયા

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય કેરલ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગણા સોમનાથની શિવભક્તિમાં લીન બન્યા
 
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર સાથે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યો ઓનલાઇન પૂજન દર્શન અને આરતીનો લાભ લેવા જોડાયા હતા. 5 રાજ્યોના 51 મંદિરોમાં 1001 થી વધુ ભાવિકોએ પૂજન કર્યું હતું અને અન્ય હજારોની માત્રામાં ભક્તો આ અદભુત કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. દક્ષિણભારતમાં મહત્વપૂર્ણ ધર્મસ્થાન  ઐયપ્પા મંદિર સાથે અનેક લોકો ની આસ્થા જોડાયેલી છે.  દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે આવે છે. 
 
ત્યારે વિસ્તારમાં કચરાના ઢગલાઓ મોટી સમસ્યા હતી જે સમસ્યાનું નિરાકરણ લાવવા IPS અધિકારી પી.વીજયન દ્વારા "પુણ્યમ પુંગાવનમ" પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેથી તીર્થમાં સ્વચ્છતા સ્થાપવામાં સફળતા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ મન કી બાત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. આ પુણ્યમ પુંગાવનમ ના સ્વયંસેવકો અને સોમનાથ મંદિર ટ્રસ્ટ  સંયુક્ત પણે એક ઐતિહાસિક કાર્યમાં સહભાગી થયા હતા. 
 
દક્ષિણના કેરળ,તામિલનાડુ,કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 51 થી વધુ પ્રખ્યાત શિવ મંદિરો એક સાથે ગુજરાતના સોમનાથ મંદિર સાથે જોડાયા હતા. આ 51 સ્થાનોથી 1001 ભક્તો ઓનલાઇન માધ્યમથી સોમનાથ મંદિરની વર્ચ્યુઅલ શિવપૂજા અને આરતીમાં જોડાયા હતા.
 
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણા થી સોમનાથ ટ્રસ્ટનો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે. જે અંતર્ગત ટ્રસ્ટ અધ્યાત્મ અને આધુનિકીકરણ નું અદભુત સમન્વય બન્યું છે.  
 
આંતરરાષ્ટ્રિય કક્ષાએ વિશ્વભરના કરોડો લોકો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન અને ઓનલાઇન પૂજાની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ જ ઓનલાઇન પૂજાની સુવિધાનો લાભ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે દક્ષિણ ભારતના 5 પ્રમુખ રાજ્યોના હજારો ભાવિકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ આયોજનની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા. 
 
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લેહરી દ્વારા દક્ષિણના 51 મંદિરોના સોમનાથ સાથે જોડાવાના આ ઉત્તમ આયોજન ને બિરદાવામાં આવ્યું હતું. તેઓએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા.
 
IPS પી. વિજયન દ્વારા પુણ્યમ પુંગાવનમના વિચાર અને સ્વચ્છતા અને પર્યાવરણને લગતા સમૂહના કાર્યો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો સાથે જ તેઓએ સોમનાથ ટ્રસ્ટની આ રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઈન પૂજાની સેવાને બિરદાવી હતી.
 
દક્ષિણથી ઉત્તર તરફની આ ભક્તિ યાત્રામાં શિવભક્તોને સાક્ષાત તેમના નજીકના પ્રસિદ્ધ શિવ મંદિર સાથે અને ઓનલાઇન માધ્યમથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર સાથે જોડાવા નું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.