ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 9 માર્ચ 2024 (12:54 IST)

સિંધુભવન રોડ પર થાર કાર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

hit and run case on Sindhubhan Road
hit and run case on Sindhubhan Road
- વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના સિંધુ ભવન રોડ પર બની
-  બેફામ ગતિએ જતી  થાર કારે એક બાઇક સવારને તેને કચડી નાંખ્યો 
- બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ
- માલેતુજાર નબીરાઓએ સિંધુ ભવન રોડને રેસિંગ ટ્રેક  બનાવી દીધો

શહેરમાં ઇસ્કોન બ્રિજની ઘટના બાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના સિંધુ ભવન રોડ પર બની છે. સિંધુભવન રોડ પર આજે એક નબીરો બેફામ ગતિએ થાર કાર હંકારી રહ્યો હતો, જેમાં એક બાઇક સવારને તેને કચડી નાંખ્યો હતો. બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.માલેતુજાર નબીરાઓએ સિંધુ ભવન રોડને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. હાલ સમગ્ર મામલે પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 
થાર કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો
અમદાવાદમાં જયદીપ વિપુલભાઈ સોલંકી નામનો સગીર મિત્રનુ બાઈક લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે પૂરઝડપે કાર હંકારી બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી કાર મૂકીને જ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જયદીપ સોલંકીને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. 
 
માલેતુજાર નબીરાઓએ સિંધુભવન રોડને રેસિંગ ટ્રેક બનાવી દીધો
હાલ પોલીસે કારને જપ્ત કરીને આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સિંધુભવન રોડ રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. માલેતુજાર નબીરાઓએ સિંધુભવન રોડને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. આ રોડ પર સીસીટીવી નેટવર્ક ગોઠવવા માટેની પોલીસની વાતો પણ પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે.