બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (09:55 IST)

લોકોને પ્રેરણા આપે એવો કિસ્સો: વિધાતાએ સાતમાં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, પણ શોખે ક્યાંયથી ક્યાં પહોંચાડ્યા

આપણા સમાજમાં સાચુ જ કહેવાયું છે કે જે માણસ પોતાની સૌથી મોટી આવડત એવા શોખ પાછળ ભાગે છે તેને સફળતા અવશ્ય મળીને જ રહે છે. પરંતુ કમનસીબે ઘણાં એવા લોકો છે કે જે પરિવારના નિર્વાહ અને રોજીરોટીના ચક્કરમાં ફસાઈને પોતાના શોખને પડતો મૂકવા મજબૂર બને છે અને આખુ જીવન પૈસા પૈસા કરતા જ વિતાવે છે. આવા લોકોને પ્રેરણા આપે એવો કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાંથી મળી આવ્યો છે. 
જામ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધર રહે છે. અરવિંદભાઈના ઘરનો વ્યવસાય ખેતી.  બા-બાપુજી ખેતી કરે. ઘણી વખત અમુક આર્ટ ભગવાન તરફથી માણસને ગોડ ગિફ્ટ તરીકે મળ્યાં હોય છે. અરવિંદભાઈના કેસમાં પણ એવું જ.... તેમને નાનપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રસ. સાતમા ધોરણમાં હતા એ વખતે નાના-મોટા ઘણાં ચિત્રો બનાવ્યા કરે. અરવિંદભાઈ ઘરમાં એકમાત્ર દિકરા, તેમનાથી મોટી 3 મોટી બહેનો હતી. ત્રણેય બહેનો સાસરે ગયા પછી ખેતીની જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. 
 
એ સમય એવો વિચિત્ર હતો કે અરવિંદભાઈ માટે ખેતી, અભ્યાસ અથવા ચિત્ર ત્રણેયમાંથી એકની પસંદગી કરવી જરૂરી હતી.  આખરે પરિવારના નિર્વાહ અને જવાબદારીના લીધે અરવિંદભાઈને ખેતીની પસંદગી કરવી પડી. થોડા સમય સુધી તેમણે ખેતી કરી, પણ અંતરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો શોખ રહી રહીને દેખા દીધે રાખતો હતો. ધીરે ધીરે અરવિંદભાઈએ ખેતીની સાથે સાથે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું. 
અત્યાર સુધીમાં અરવિંદભાઈએ ૮૦૦થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને  દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે. ઝાંસી ખાતે યોજાયેલી મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્ઝિબિશનમાં કુલ ૧૪ દેશના ૧૮૧ કલાકારોની કૃતિઓમાં અરવિંદભાઈની ૨ કૃતિનો પણ સમાવેશ થયો છે.  ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્ક થી પણ ચિત્રો બનાવવામાં માહેર એવા અરવિંદભાઈની કેટલીય કૃતિઓ વિવિધ અખબારો અને પ્રકાશનોમાં પણ ચમકી ચૂકી છે.  ગુજરાત સરકારે ૨૦૨૧ની દિવાળી સમયે માહિતી ખાતાનો જે દિપોત્સવી અંક બહાર પાડ્યો તેમાં પણ અરવિંદભાઈના ચિત્રો પ્રકાશિત થયાં છે. 
 
અરવિંદભાઈએ પોતાના શોખને તેને રોજીરોટીની સાથોસાથે સતત જીવતો રાખ્યો અને તેના લીધે જ આજે તેમના ચિત્રો અનેક જગ્યાએ સ્થાન પામ્યા છે અને વખણાયા છે. આજે દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં પણ અરવિંદભાઈના ચિત્રો સ્થાન પામ્યા છે, જે તેમની ચિત્રો દોરવાની કાબેલિયત દર્શાવે છે.