રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (12:50 IST)

11 વર્ષની ઉંમરે જોયેલું સપનું 26મા વર્ષે પુરૂ કર્યું, ભરૂચમાં ખેડૂત પુત્રી પાયલટ બની

pilot
ધોરણ 6માં અભ્યાસ કરતી એક સામાન્ય પરિવારની ખેડૂતપુત્રી ઉર્વશી દુબેએ અનેક આર્થિક કઠણાઈઓને પાર કરી આજે કોમર્શિયલ પાઇલટ બની આભમાં ઊંચી ઉડાન ભરી રહી છે. ભરૂચના છેવાડાના કિમોજ ગામમાં કાચા ઘરમાં રહેતી ખેડૂતપુત્રી ઉર્વશી દુબે પાઇલટ બની ઘરે આવતાં જે લોકો તેના બાળપણના પાઇલટ બનવાના સપનાની મજાક ઉડાવતા હતા તેઓ આજે આ દીકરીને અભિનંદન આપી રહ્યા છે.
pilot

કિમોજ ગામના ખેડૂત અશોકભાઈ અને માતા નીલમબેનની દીકરી ઉર્વશીને નાનપણમાં ધોરણ 6માં અભ્યાસ કરતી વખતે આકાશમાં ઊડતા વિમાનને જોઈ મનમાં સવાલ ઊઠ્યો હતો. આ પ્લેન ઉડાવવાવાળો પણ એક માણસ જ હશે અને ત્યારથી નાનકડી ઉર્વશીએ પાઇલટ બની પ્લેન ઉડાવવાનું નક્કી કરી લીધું. ભત્રીજીને પાઇલટ બનાવવા કાકા પપુ દુબેએ ખર્ચ ઉઠાવ્યો, પણ કાકાના કોરોનામાં અકાળે મોત બાદ અનેક આર્થિક મુશ્કેલીઓ આવી.ઉર્વશીએ ગામની જ ગુજરાતી શાળામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યાં શિક્ષકો અને સિનિયરોને પાઇલટ બનવા શું કરવું? એ પૂછી તે આગળ વધી. 12 સાયન્સ મેથ્સ સાથે લઈ તે આગળ વધી પાઇલટ બનવા લાખોનો ખર્ચ થતો હોવાનું જાણવા મળ્યું. જોકે ખેડૂત પિતા અને દુબે પરિવારે દીકરીને પાઇલટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો.
pilot

જંબુસરથી વડોદરા, ત્યાંથી ઈન્દોર બાદમાં દિલ્હી અને છેલ્લે, જમશેદપુરમાં ઉર્વશીનું કોમર્શિયલ પાઇલટનું લાઇસન્સ આવતાં પાઇલટ બનવાનું સ્વપ્ન સાકાર થયું. તેણે ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી ઓપન કાસ્ટને લઈ સરકારી લોન સાથે ખાનગી બેંકોમાં પડેલી હદ વગરની તકલીફો તેમજ કલાકની ફ્લાઈંગ માટે ભરવાના હજારો રૂપિયા તથા લાખોની ફી અંગે પણ વેદના વ્યક્ત કરી હતી. જોકે જેટલી તકલીફો પડી એટલા મદદગાર પણ મળ્યા હોવાનો આંનદ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લાની પ્રથમ પાઇલટ બનનાર ઉર્વશી દુબે કહ્યું હતું કે પાઇલટ બનવાનું મારું નાનપણથી સપનું હતું. મારા પિતા ખેડૂત છે. પાઇલટ બનવામાં મોટો ખર્ચ હતો, પણ મારા પિતાએ મને ના ન પાડી. જેટલી મદદ થાય એટલી કરવાની વાત કરી. મારી પાસે પાઇલટ કઈ રીતે બનવું એની માહિતી પણ ન હતી, પણ હું શિક્ષકો અને સિનિયરની મદદ લઈ આગળ વધતી ગઈ. 12 સાયન્સમાં મેથ્સ જરૂરી હોવાથી. મેં વિથ મેથ્સ 12 સાયન્સ પાસ કર્યું. ત્યાર બાદ મેં ઈન્દોર એડમિશન લીધું. મને શરૂઆતમાં ભાષાની તકલીફ પડતી હતી, પણ મેં ક્યારેય હાર ન માની.