ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 27 જૂન 2022 (13:21 IST)

વડોદરા શહેરમાં ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા નાસભાગ મચી, વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરી સહિસલામત બહાર કાઢ્યા

fire vadodara
વડોદરા શહેરમાં ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસમાં ફસાયેલા 450 ઉપરાંત  વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરી સહિસલામત બહાર કાઢ્યા હતા. તે સાથે ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો  હતો. ઘટનામાં કોઇ જાનહાની કે  ઇજા પહોચી નથી.મળેલી માહિતી મુજબ શહેરના મકરપુરા વિસ્તારમાં સુશેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા ફ્લોર ઉપર એમ.સી.બી.માં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
vadodara news

બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ નાસભાગ મચી હતી. પોતાની સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગ્યા હતા. તે સાથે શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કુલ બહાર દોડી આવ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ફાયરબ્રિગેડને  કરતા ફાયરબ્રિગેડના લાશકરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. 
vadodara news
મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર જરદીપસિહ ગઢવીએ જણાવ્યું હતું કે, આગના બનાવની જાણ થતાં સ્ટાફના સાત લાશ્કરો સાથે ગણતરીની મિનીટોમા પહોંચી ગયા હતાં. સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સરકીટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઇ ગયો હતો. ફાયરના લાશ્કરો બ્રિથીગ એપ્રેટર પહેરીને ત્રીજા માળે પહોંચ્યા હતા. અને ત્રીજા, ચોથા અને પાચમા માળે ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી બારી તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સહિસલામત બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી. જોકે, જરૂર પડે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ, તેની જરૂર પડી ન હતી. વિદ્યાર્થીઓના રેસ્કયુ સાથે ગણતરીની મિનીટોમા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.આજે સવારે સ્કૂલમાં આગની બનેલી ઘટનાની જાણ વાલીઓને થતાં હાફડાફાફડા સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા. અને પોતાના બાળકોને સહિસલામત જોતાં હાશકારો અનુભવ્યો હતો. તે સાથે સ્થાનિક લોકો પણ એકઠા થઇ ગયા હતા. સ્કૂલમાં આગ લાગતા જીઇબી ટીમ તેમજ પોલીસ પણ દોડી ગઇ હતી. પાલિકા દ્વારા તમામ શાળાઓમાં ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે.તેમ છતાંય કેટલીક શાળાઓ બેદરકારી દાખવે છે. આવા કિસ્સામાં મોટી હોનારતને આમંત્રણ મળી જાય છે. આગની ઘટના બને તો શાળામાં ઇમરજન્સી એક્ઝિટ પણ હોવું જરૂરી છે