1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 30 માર્ચ 2022 (14:23 IST)

આપની ગુજરાત પર નજર, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 એપ્રિલના રોજ અમદાવાદમાં કરશે રોડ શો

પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી (AAP)ની નજર ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પર છે. આ સંબંધમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણી માટે પોતાની રણનીતિ નક્કી કરશે.
 
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બંને 2 એપ્રિલે અમદાવાદ પહોંચશે. આ દિવસે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો થશે. આશરે 3 થી 4 કિમી મીટરનો આ રોડ શો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ ખોડિયાર માતા મંદિરથી શરૂ થશે અને ઠક્કરબાપાનગર ખાતે સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ્યાં આ રોડ શો થઈ રહ્યો છે, ત્યાં મોટા ભાગના પાટીદારો વસે છે. જે પાટીદાર આંદોલન દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે.
 
3 એપ્રિલે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં ગુલાબ સિંહ યાદવ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ AAPના નેતાઓ સાથે બેઠક કરશે, જેમાં ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
 
તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટવ્યુંમાં કહ્યું હતું કે ગુજરાત ચૂંટણીમાં તેઓ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પ્રચાર કરશે. ગુજરાતમાં વિકાસના નામે ચૂંટણી લડવામાં આવશે અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને શાળાઓ કેવી રીતે બંધ થઈ છે તે અંગે ગુજરાતના લોકો સુધી પહોંચવું તેમની પ્રાથમિકતા છે. આમ આદમી પાર્ટીએ તેના ડિજિટલ ચૂંટણી પ્રચારમાં સૂત્ર આપ્યું છે- 'પરિવર્તન જરૂરી છે, પરિવર્તન શક્ય છે'.
 
AAP કહે છે કે ગુજરાતના લોકોને કહેવામાં આવશે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર મફત શિક્ષણ, મોહલ્લા ક્લિનિક્સ, સીસીટીવી, વાઇફાઇ, બસમાં મહિલાઓ માટે મફત મુસાફરી, 200 યુનિટ સુધી મફત વીજળી આપે છે. એટલે કે અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત ચૂંટણી માટે AAPનો રોડમેપ તૈયાર કરવા અંગેની હશે.