બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:10 IST)

જુસ્સાથી પરીક્ષા આપજો : તમારા પુરુષાર્થનું પરીણામ મળશે જ: રાજ્યપાલ

આગામી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતુ કે, પરીક્ષા એ જીવનનો કોઇ અંતિમ પડાવ નથી. દીર્ઘકાલિન જીવનમાં સફળતા માટેનાં અનેક રસ્તા છે. વિદ્યાર્થીઓને નિરાશ થયા વિના ધૈર્ય, દ્રઢ મનોબળ અને જુસ્સાથી પરીક્ષા આપવા રાજ્યપાલે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ઇમાનદારીથી કરેલાં કઠોર પરિશ્રમનું પરીણામ અવશ્ય મળે છે.
 
ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઇન્ફોર્મેટિક્સ-બાયસેગના માધ્યમથી રાજ્યભરની શાળાઓમાં જીવંત પ્રસારણ દ્વારા રાજ્યપાલ અને શિક્ષણમંત્રીએ ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સંબોધન કરી પ્રેરણા પુરી પાડી હતી. રાજ્યપાલે વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ સાથે પરીક્ષા માટે તૈયાર થવા અનુરોધ કર્યો હતો. 
 
તેમણે જણાવ્યુ હતું કે, સફળતા અને નિષ્ફળતા જીવન સાથે જોડાયેલી છે, પરંતુ જે વ્યકતિ નિરાશા ખંખેરીને નવા કાર્ય માટે સજ્જ થાય છે તે જ વ્યક્તિ વિજેતા બને છે. આશાવાદી વ્યક્તિ જ મંઝીલ સુધી પહોંચે છે અને નિરાશાવાદી અસફળ થાય છે. રાજ્યપાલે મહાપુરુષોના જીવન-કવન ઉપરથી પ્રેરણા લઇ પ્રમાણિક્તા સાથે પોતાની જાતમાં વિશ્વાસ રાખી પુરુષાર્થ કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી, ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. 
 
ધોરણ 10, 12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે રાજ્યના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને માર્ગદર્શન આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને ધો.૧૦,૧૨ની બોર્ડની પરીક્ષા આપે તે માટે રાજ્ય સરકારે ઘનિષ્ઠ આયોજન કર્યુ છે. વિદ્યાર્થીઓએ તણાવ મુક્ત વાતાવરણમાં રહી પરીક્ષા આપવી જોઈએ અને રાજ્ય સરકારે તેને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું ટાઈમ-ટેબલ તૈયાર કર્યું છે. તણાવમુક્ત વાતાવરણના સર્જનમાં વાલીઓનો સૌથી મોટો ફાળો રહેલો છે. મા-બાપે ક્યારેય બાળકોને વધુમાં વધુ ગુણ લાવવા દબાણ ન કરતા અને ચિંતામુક્ત રહી પરીક્ષા આપવા પ્રોત્સાહન આપવું જોઇએ.
 
વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાનની મહેનત બાદ આવતો ઉત્સવ એટલે પરીક્ષા. આ પરીક્ષા વિદ્યાર્થી પ્રફુલ્લિત રહી આપે તે જરૂરી છે. આજનો વિદ્યાર્થી દેશનો ભાવિ શ્રેષ્ઠ નાગરિક છે. વિદ્યાર્થીના હિતનું ધ્યાન રાખવું એ સમાજની ફરજ છે. વિવિધ વિષયના નિષ્ણાતો, સાહિત્યકારો, કટાર લેખકો વગેરે દ્વારા વિદ્યાર્થીઓને હૂફ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ધોરણ 10,12 ની પરીક્ષા પારદર્શકતા પૂર્વક સંપન્ન થશે તેવી ખાતરી આપતાં વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે શુભકામનાઓ પાઠવી હતી.