શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (12:25 IST)

બનેવી સાથે આડા સંબંધોની આશંકાથી પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક

શહેરમાં એક પતિએ આડા સંબંધો હોવાની આશંકાએ પત્ની પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારની આ ચકચારી ઘટનામાં પતિએ બનેવી સાથે પત્નીના આડા સંબંધો હોવાની શંકા રાખી તેના પર એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ હતી.
બનાવની વિગત એવી છે કે શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા કનુ પરમારને સોમવારે સાંજે પત્ની સાથે ઝઘડો થયો હતો દરમિયાન, કનુભાઈએ પત્નીને ઝઘડો કરી માર મારી અને અપશબ્દો કહ્યા હોવાના પણ અહેવાલો છે. ફરિયાદ મુજબ આરોપીએ તેની પત્નીને કહ્યું હતું કે હવે તું મારા બનેવી સાથે જ ઘર કરીને રહેજે. આ ધમકી આપી આરોપીએ કહ્યું હતું કે હું તારા પર એસિડ ફેંકી દઈશ. દરમિયાન આરોપીએ એસિડની બોટલ ભરી લાવી અને પત્ની પર ફેંક્યું હતું. આ હુમલામાં પત્નીએ સ્વ બચાવનો પ્રયાસ કર્યો એટલે તેમના મોઢાને બદલે ગળે એસિડ પડ્યું હતું.
આ ઘટના બાદ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. દરમિયાન આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે આ અંગે આરોપીના પત્નીની ફરિયાદના આધારે કનુ પરમારની ધરપકડ કરી છે. પોલીસે એસિડ એટેકના આ બનાવની જાણ કલેક્ટર કરવાની તજવીજ હાથ ધરી હોવાના પણ અહેવાલો છે. પીડિતા પત્નીને આ મામલે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.