1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. admission to standard 1 Under RTE Act

RTE એડમિશન 2026-27: 84 હજારથી વધુ બેઠકો માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ, જાણો છેલ્લી તારીખ

RTE admission
RTE admission


ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-1માં પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુથી શનિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાલીઓ આગામી 17 એપ્રિલ સુધી અધિકૃત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
 

બેઠકોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો
 

આ વર્ષે પ્રવેશ માટે બેઠકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે અંદાજે 94 હજાર બેઠકો ઉપલબ્ધ હતી, જેની સામે આ વર્ષે 84,228 જેટલી બેઠકો પર જ પ્રવેશ ફાળવવામાં આવશે. નિયમ મુજબ ખાનગી શાળાઓની કુલ ક્ષમતાના 25 ટકા બેઠકો આ યોજના હેઠળ અનામત રાખવામાં આવે છે, જેના આધારે આ સંખ્યા નક્કી કરવામાં આવી છે.
 

વિવિધ માધ્યમોની બેઠકોનું વિભાજન

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વખતે ગુજરાતી માધ્યમની સૌથી વધુ 41,411 બેઠકો છે. જ્યારે અંગ્રેજી માધ્યમની 40,262 બેઠકો, હિન્દી માધ્યમની 2,235 અને અન્ય લઘુમતી ભાષાઓની 320 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. આ આંકડા દર્શાવે છે કે વાલીઓમાં હજુ પણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 

વાલીઓ માટે 'સ્કૂલ શિફ્ટ' પસંદગીની નવી સુવિધા
 

ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વાલીઓ ફક્ત શાળા પસંદ કરી શકતા હતા, પરંતુ આ વર્ષથી તેમને શાળાની 'પાળી' (સવાર કે બપોર) પસંદ કરવાની પણ તક મળશે. આ નિર્ણયથી વાલીઓને તેમના સમય અને અનુકૂળતા મુજબ બાળકની શાળાનો સમય નક્કી કરવામાં ઘણી સરળતા રહેશે.
 

પ્રવેશ પ્રાથમિકતાના નિયમોમાં મોટો ફેરફાર
 

આ વખતે પ્રવેશ મેળવવા માટેની પ્રાથમિકતાની યાદીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં આંગણવાડીમાં ભણતા બાળકોને અનામત કેટેગરીના બાળકો કરતા પહેલા અગ્રતા આપવામાં આવતી હતી. જોકે, નવા નિયમ અનુસાર હવે અનામત કેટેગરીના બાળકોને પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ અગ્રતા (Priority) મળશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
 

ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજીની તૈયારી
 

રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ અગાઉથી જ જાહેરાત કરી દીધી હતી જેથી વાલીઓને જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા માટે પૂરતો સમય મળી રહે. વાલીઓએ સમયમર્યાદામાં ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે તમામ વિગતો અને પુરાવાઓ ચોકસાઈપૂર્વક અપલોડ કરવા જરૂરી છે જેથી પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી ન નડે.
ये भी पढ़ें
ગુજરાતમાં 'આપ'ના કાર્યકરોની ધરપકડ મુદ્દે કેજરીવાલ આક્રમક: CM ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ્યો મળવાનો સમય