1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (09:05 IST)

૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે અરૂણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું “મારે કોલ્ડ્રીંક પીવી છે”

"હવે તમે અરૂણભાઇને ઘરે લઇ જાવ અને સેવા કરો ! તેમના બચવાની સંભાવના નથી"... આવા શબ્દો જ્યારે તબીબો દ્વારા અરૂણભાઇના પત્ની અને તેમના પરિવારજનોને કહેવામાં આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઇ ગયા. તેઓ ઇમરજન્સી કેરમાંથી અરૂણભાઇને ઘરે લઇ આવ્યા અને ખરેખર વિચારવા લાગ્યા કે હવે અરૂણભાઇ જીવી શકશે નહીં..પરંતુ આ તો વિધી નો ખેલ હજૂ બાકી હતો..!
 
અરૂણભાઇના પુત્ર આયુર્વેદિક તબીબ તરીકે અખંડાનંદ કૉલેજમાં અભ્યાસ કરે છે.તેમણે અખંડાનંદ આયુર્વેદિક કોલેજના તબીબ ડૉ. રામ શુક્લાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના વર્ણવી. ડૉ. રામ શુક્લાએ પણ ક્ષણ ભરનો વિલંબ કર્યા વિના અરૂણભાઇને સારવાર અર્થે અખંડાનંદમાં લઇ આવવા કહ્યું. તેમના પરિવારજનો આયુર્વેદિક ચિકિત્સા માટે અખંડાનંદ આવી પહોચ્યા. અહીં વિવિધ સારવાર પધ્ધતિના કારણે કમળા માંથી કમળી થઇ ગયેલ અને કોમામાં રહેલ અરૂણભાઇને ૪૮ કલાક બાદ ભાન આવ્યું..એકાએક ઉઠી ને બેઠા થયા અને કહ્યું,”મારે કોલ્ડ્રીંક પીવી છે...!” એક કલ્પના જેવો જણાતો આ કિસ્સો બિલકુલ સત્ય છે.
 
અરૂણ ભાઇ શર્માના પીડાની કહાણી વર્ષ ૨૦૧૮ સાથે જોડાયેલી છે. તેઓને ત્રણ વર્ષ પહેલા વારંવાર દાંતના દુખાવાની ફરીયાદ રહેતી.જે દુખાવો સમય જતા અસહ્ય બનતો ગયો. જેના નિયંત્રણ માટે તેઓએ પેઇન કીલર દવાઓ લેવાની શરૂ કરી. જ્યારે પણ દાતમાં દુખાવો થતો એટલે તેઓ પેઇનકિલર દવા લેતા. જેના પરિણામે તેમને ભૂખ પણ ઓછી લાગવા લાગી અને શરીરમાં નબળાઇનો અનુભવન થવા લાગ્યો. વળી તેમનું વજન પણ એકા એક ઘટવાની શરૂઆત થઇ. 
 
આ તમામ તકલીફ વચ્ચે તેઓએ જ્યારે પ્રારંભિક સારવાર માટે તબીબનો સંપર્ક કર્યો ત્યારે ફેટી લીવર હોવાનું નિદાન થયું . પ્લેટલેટ્સ પણ ઘટવા લાગ્યા હતા. આ બધી તકલીફો વચ્ચે તેમને લીવરનું સિરોસીસ (cirrhosis of liver) છે તેવુ ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ. લીવર ટ્રાંસપ્લાન્ટ માટે દર્દી ને ૧૮ થી ૨૦ લાખ જેટલો ખર્ચ થશે તેવુ કહેવામાં આવ્યુ હતુ. જે તેમના પરિવાર માટે અશક્ય હતુ. લીવર ફેલ્યોરની સાથે સાથે તેમને spleenomegalyએટલે કે બરોળ માં સોજો, portal vein dilatation (લીવર માં જતી લોહી ની નળી ફુલી જવી), Ascitis (પેટ માં પાણી ભરાવુ), તથા pleural effusion(ફેફસામાં પાણી ભરાવુ) વગેરે ની તકલીફ પણ શરૂ થઇ ગઇ હતી જેની સારવાર પણ શરૂ કરવામાં આવી.
 
આ તમામ વેદનામાંથી પસાર થઇ રહેલા અરૂણભાઇ ૬ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ઘરે એકાએક બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તબીબો દ્વારા તમામ રીપોર્ટસની તપાસ કરતા અરૂણભાઇને કમળી થઇ હોવાનું જણાવવામાં આવ્યું. વળી તેઓ ૨ દિવસ થી પણ વધું જીવી શકે તેવી પરિસ્થિતી ન હોવાથી તેમને ઘર લઇ જઇ સેવા- શુશ્રુષા કરવા પરિવારજનોને જણાવી દેવામાં આવ્યું. જે સાંભળી તેમના પત્ની સહિતના પરિવારજનો સ્તબ્ધ અને  નિરાશ થઇ ગયા. છેલ્લે અરુણભાઇને ઘરે લઇ આવ્યા. અરૂણભાઇના પુત્ર દીપ શર્મા સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય, અમદાવાદ ખાતે પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતો હોઇ આ સ્થિતિ ની ડૉ. રામ શુક્લાને જાણ કરતા, તબીબ દ્વારા અરુણભાઇને આયુર્વેદ હોસ્પિટલ લઇ આવવા કહ્યું.
 
વધુ વિગતો આપતા ડૉ. રામ શુક્લા જણાવે છે કે, અરૂણભાઇ હોસ્પિટલ આવ્યા ત્યારે આયુર્વેદમાં બતાવેલ નસ્ય ચિકિત્સા (નાક વાટે નાખવામાં આવતી ઔષધી) શરૂ કરવામાં આવી હતી. દર્દીને કમળીની તકલીફ હોવાથી તે બેભાન અવસ્થામાં હોવાથી અન્ય દવા આપી શકાય તેમ ન હતી. નસ્ય ચિકિત્સા શરુ કર્યા ના ૬ કલાક બાદ અરૂણભાઇના હાથ પગના હલન-ચલનની શરૂઆત થઇ. ત્યારબાદ ૨ દિવસનાં અંતે  અરૂણભાઇ ભાનમાં આવી ગયા. ભાનમાં આવતા તેમની ચિકિત્સા આયુર્વેદની ચરક સંહિતા માં વર્ણન કરેલ કામલા રોગ (કમળો) તથા ઉદર રોગ ચિકિત્સા શરૂ કરવામાં આવી હતી.
 
આચાર્ય ચરકે આ સ્થિતિ માં દર્દી ને માત્ર દુધ ઉપર રાખવાની સલાહ આપી છે વિશેષ કરીને ઊંટડી નુ દુધ. છેલ્લા ૧૫ દિવસ થી અરૂણભાઇને ખોરાક માં માત્ર ઊંટડી નાં દુધ ઉપર જ રાખવામાં આવેલ છે સાથે અન્ય આયુર્વેદની દવા આપવામાં આવે છે. તેઓના પ્લેટલેટસ્ આયુર્વેદ ની સારવાર પહેલા માત્ર ૧૫૦૦૦ રહેતા. જે પંદર દિવસ ની આયુર્વેદ ની સારવાર બાદ ૯૦,૦૦૦ સુધી પહોચ્યા છે.અરૂણભાઇને હવે ભૂખ પણ લાગવા લાગી છે તથા ચાલતા પણ થઇ ગયા છે અને સશક્ત બન્યા છે. 
 
દર્દીને  cirrhosis of liver – લીવર ફેઇલ હોવાથી આગામી ૬ મહિના થી ૧ વર્ષ સુધી આયુર્વેદની સારવાર હેઠળ રાખવામાં આવશે. આ સમગ્ર પીડામાંથી પસાર થયા બાદ હાલની અનુભૂતિ વર્ણવતા અરુણભાઇ શર્મા કહે છે કે, 3 વર્ષથી લીવર સીરોસીસની બિમારીથી પીડાઇને હું મૃત્યુ ની નજીક જઇ રહ્યો હોવ તેવો અનુભવ થઇ રહ્યો હતો. પરંતુ આયુર્વેદની સારવાર લીધા બાદ મને નવજીવન મળ્યુ હોય અને હું હવે જીવી શકુ છુ તેવી લાગણી અનુભવી રહ્યો છે.મને મળેલ નવજીવન અખડાનંદ આયુર્વેદિક કૉલેજના તબીબોને સમર્પિત છે.હું રાજ્યના આરોગ્ય મંત્રી સહિત પ્રધાનમંત્રીનો પણ રાજ્યમાં શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ નિ:શુલ્ક ઉપલ્બધ કરાવવા બદલ આભાર માનું છું.