શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (14:13 IST)

ગુજરાત યુનિવર્સિટી બાદ AMCની નર્સરીમાંથી ગાંજાના છોડ મળ્યા, નર્સરીના સંચાલકે કહ્યું એ તો આપમેળે ઉગે છે

ganja plant
ganja plant
ગાંજાના છોડ ચારથી પાંચ ફૂટ ઉંચા થયાં ત્યાં સુધી AMCનો બગીચા વિભાગ કે પોલીસનું ધ્યાન તેના પર પડ્યું જ નહી
 
Ahmedabad News -  રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાના છોડ મળી આવતાં અનેક સવાલો ઉભા થયાં છે. હજી આ મુદ્દો ચર્ચાઓમાં છે ત્યાં જ AMCની નર્સરીમાં ગાંજાના ચારથી પાંચ ફૂટ ઉંચા છોડ મળી આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જ આ નર્સરી આવેલી છે અને તેમાંથી ગાંજાના છોડ મળતાં જ તંત્રના બગીચા વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયાં છે. 
 
AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે. ગાંજાના જાહેરમાં વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના સંચાલક મંતરાજભાઈએ મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતું કે, ગાંજાનાં છોડ એની મેળે ઉગે છે.ગુજરાત યુનિવર્સિટીથી ખૂબ જ નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળી રહ્યા છે. નર્સરીની સામે આવેલા ગાર્ડનમાં દરરોજ સવારે ઘણા લોકો મોર્નિંગ વોક કરવા માટે આવે છે. વડીલો સાંજે ગાર્ડનમાં બેસવા માટે આવે છે. ત્યારે આ નર્સરીમાં અનેક ગાંજાના છોડ ઉગ્યા છે. પોલીસ આ મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ સૌથી મોટો સવાલ છે. 
 
AMCનો બગીચા વિભાગ વિવાદમાં આવ્યો
AMC અને પોલીસ સામે આ ગાંજાના છોડને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં સ્થિત AMCની સૌરભ નર્સરી છે તો અત્યાર સુધી ગાંજાનાં છોડ પર કેમ તંત્રનું ધ્યાન ન પડ્યું, તંત્ર દ્વારા કેમ અત્યાર સુધી ગાંજાના છોડનો નાશ ન કરવામાં આવ્યો, આ ગાંજાના છોડને જાણી જોઇને મોટા થવા દેવામાં આવ્યા છે, નજીકના પોલીસ સ્ટેશને પણ ગાંજાના છોડ મુદ્દે કેમ કાર્યવાહી ન કરી. આવા અનેક સવાલો ચર્ચાએ ચડ્યાં છે. યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ બાબતે હજી તપાસ ચાલુ કરવામાં આવી છે ત્યારે AMCનો બગીચા વિભાગ વિવાદમાં આવ્યો છે.