શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (15:43 IST)

રાઈડ દુર્ઘટનાની જવાબદારીમાંથી મેયરે હાથ ઊંચા કરી દીધા

કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી રાઈડ તૂટવાની ઘટનાને લઈ શાસક પક્ષ ભાજપ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. માત્ર એટલું જ નહીં, એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. તેમ જ અમદાવાદના મેયર બિજલ પટેલે કહ્યું હતું કે, 6 જુલાઇનો આર એન્ડ બીનો રિપોર્ટ કોર્પોેરેશન પાસે આવ્યો હોત તો ઘટના નિવારી શકાઈ હોત. આ ઘટનામાં કોર્પોેરેશનના કોઈપણ અધિકારીની વ્યક્તિગત જવાબદારી નથી. આ અંગે કોઈ ચોક્કસ નીતિ નથી, આગામી સમયમાં અધિકારી-વિભાગની જવાબદારી અંગે બેઠક કરી નિર્ણય લેવાશે. બીજી બાજુ આ ઘટનાના વિરોધમાં વિપક્ષ કૉંગ્રેસ દ્વારા મેયર સામે સૂત્રાચ્ચાર કરીને તેમનું રાજીનામું માગ્યું હતું. મેયરે વધુમાં કહ્યું હતું કે, આ મામલે કોઈ રાજકારણ ન હોવું જોઈએ. આ દુ:ખદ ઘટના છે. જે કોઈ રાઈડ કરવામાં આવે છે તેના માટે અમદાવાદ શહેરમાં સરકારી માલિકીની, કોર્પોરેશનની માલિકીની કે ખાનગી માલિકીની જમીન પર કોઈપણ જાતની રાઈડ ચલાવવાનું લાયસન્સ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઈસ્યૂ કરવામાં આવે છે. જુદી જુદી રાઈડ્સ ચલાવવા માટે રાજ્ય સરકારના આર એન્ડ બી વિભાગમાં અરજી કરવામાં આવે છે અને તેના એન્જિનિયરો દ્વારા યાંત્રિક ચકાસણી કરવામાં આવે છે. ત્યાર બાદ સલામતીના ધોરણો સંતોષકારક લાગ્યા બાદ પ્રમાણપત્ર આપીને પોલીસ કમિશનર દ્વારા લાયસન્સ ઈસ્યૂ કરવામાં આવે છે.