શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (14:59 IST)

અમદાવાદના એક હજાર વેપારીઓના પાસપોર્ટ રદ થશે

અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા વેપારીઓ ઉપર મ્યુનિ. દ્વારા કરાયેલા અનેક કેસો છેલ્લા કેટલાક વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યા છે. બીજી તરફ જેમના ઉપર કેસો છે તેવા વેપારીઓ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થતા જ નથી, છેલ્લે આવા ૧૦૦૦ જેટલા વેપારીઓની યાદી તૈયાર કરીને પાસપોર્ટ ઓથોરિટીને મોકલી આ તમામ વેપારીઓમાંથી જેમણે પાસપોર્ટ કઢાવ્યો હોય તે તાકીદની અસરથી રદ કરી દેવા જણાવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મીઠાઈ, ફરસાણ, ફૂડ પાર્લર, હોટેલ- રેસ્ટોરન્ટ, કરિયાણાના વેપારી, દૂધની ડેરીવાળા વગેરેને ત્યાંથી ખાદ્ય પદાર્થોના વર્ષો પહેલા નમૂના લેવાયા હતા જેમાં ભેળસેળ પકડાતા કોર્ટમાં પીએફએ- પ્રિવેન્શન ફુડ એડલ્ટેશન એક્ટ હેઠળ કેસો કરાયા હતા કેટલાકને કેદ અને દંડની સજા પણ જાહેર કરાઈ છે. ૧૫- ૧૫ વર્ષ થઈ જવા છતાં આ વેપારીઓ મળતા નથી કેટલાકને તો સમન્સ પણ બજતા નથી. આ સંદર્ભમાં હેલ્થ ખાતાએ છ પેજ ભરીને કોર્ટમાં હાજર થવાની જાહેરાત તમામના નામો સાથે કરી હતી. આમ છતાં આ વેપારીઓ કોર્ટમાં ફરક્યા પણ નથી અંતે કોર્ટે આ તમામના પાસપોર્ટ રદ કરવાની સૂચના પાસપોર્ટ ઓથોરિટીને આપતા આખા ય પ્રકરણમાં નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. કોર્ટમાં આવા ૭૦૦ કેસો ચાલે છે, જેમાં ૧૦૦૦ જેટલા આરોપીઓ છે જેમના અંગે પાસપોર્ટ ઓફિસને કોર્ટે જણાવ્યું છે કે, આ સાથે લીસ્ટ મોકલવામાં આવે છે તે તમામ આરોપીઓને કોર્ટે ફરારી જાહેર કરેલા છે. આરોપીને કેદ અને દંડની સજા કરેલ છે તેથી આમાંથી જો કોઈ પાસપોર્ટ ધરાવતા હોય તો તે તાત્કાલીક અસરથી બંધ પાડવાનો હુકમ કરેલ હોય તમામના પાસપોર્ટ બંધ પાડી અદાલતને જાણ કરશો. ઉપરાંત ફરી પાસપોર્ટ આપવાનો હુકમ ન થાય ત્યાં સુધી તમામના પાસપોર્ટ રદ કરવા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર-૮ દ્વારા આ હુકમ કરાયો છે.