શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (13:33 IST)

જિ. પં. ની ચૂંટણીમાં વ્હિપનો અનાદર કરનાર ૩૨ સભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાં

અમદાવાદ સહિત રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વ્હિપનો અનાદર કરનારા અમદાવાદ, ભાવનગર, પાટણ, દાહોદ, મહીસાગર અને વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સદસ્યોને તાકીદની અસરથી સસ્પેન્ડ કરીને તેમની સામે પક્ષાંતર ધારા હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. રાજ્યમાં અમદાવાદ સહિત ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ, પદાધિકારીઓ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી યોજાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ૩૧ જિલ્લા પંચાયતની વર્ષ-૨૦૧૫માં યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ૨૩ જિલ્લા પંચાયતમાં જન સમર્થન-જનઆશીર્વાદ આપીને કોંગ્રેસ પક્ષને શાસન સોંપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો હતો. આવી જ રીતે ૨૩૦ તાલુકા પંચાયત વર્ષ-૨૦૧૫ માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૧૨૯ તાલુકા પંચાયતમાં વિજય અપાવ્યો હતો. પંચાયતીરાજના નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખના અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા કોંગ્રેસ પક્ષનું ૧૮ જિલ્લા પંચાયતમાં પુન:શાસન સ્થાપિત થયું છે. વર્ષ-૨૦૧૫માં કારમો પરાજય પામેલ ભાજપે આજે યોજાયેલા પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે શામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કર્યો હતો. આ માટે ભાજપે સત્તાનો ભરપૂર દુરુપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસની ધાક ધમકીનો ઉપયોગ કરવામાં આવ્યો, સહકારી  ક્ષેત્રનો દુરુપયોગ ઉપયોગ કર્યો. ડાંગ જિલ્લા પંચાયતમાં કોગ્રેસની બહુમતી થવા છતાં સરકારના ઇશારે આ ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી તેમ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ફરમાન કરીને રાજ્યની ૫૦ ટકા જિલ્લા પંચાયત તોડવાનું કાર્ય ભાજપ સરકાર અને સ્થાનિક નેતાઓને સોંપવામાં આવ્યું હતું, જે સફળ થયું નથી. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વ્હિપનો અનાદર કરી બળવો કરનાર તમામ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહિ આ તમામ બળવાખોર સભ્યોની સામે પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય લડાઈ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગામડાંમાં ભાજપનો જનાધાર ઘટતા સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દખલગીરી કરી હતા. સરકારે સત્તાના જોરે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં કોગ્રેસે મોટા ભાગની જિલ્લા પંચાયતમાં બહુમતી જાળવી છે. ભાજપે ભય અને લોભનું વાતાવરણ ઊભું કરી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તોડવાનો પ્રયાસ કર્યો છે તેને વખોડું છું. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે ભલે સત્તા પરિવર્તન ભલે કર્યું હશે, પરંતુ ગામડાંમાં ભાજપનો જનાધાર વધશે નહી અને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને તેનો જવાબ મળશે. કોગ્રેસના વ્હિપનો અનાદર કરનાર તાલુકા અને જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોને કોગ્રેસ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જે જિલ્લા પંચાયતમાં બળવો કરનારા ૩૨ સદસ્યોને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં અમદાવાદ જિલ્લા પંચાયતના છ સભ્યો, ભાવનગર જિલ્લા પંચાયતના ત્રણ, પાટણ જિલ્લા પંચાયતના આઠ સભ્યો, દાહોદ જિલ્લા પંચાયતના નવ સભ્યો, મહીસાગર જિલ્લા પંચાયતના ત્રણ અને વડોદરા જિલ્લા પંચાયતના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.