શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:54 IST)

BMW હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ હનિમૂન માટે વિદેશ નહીં જઈ શકે

અમદાવાદ શહેરના ચકચારી BMW હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહનું વિદેશમાં હનિમૂન કરવા જવાનું સપનું રોળાઈ ગયું છે. વિસ્મયે લગ્ન પછી વિદેશ ફરવા જવા માટે પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરવા માટે કોર્ટને વિનંતી કરી હતી, જેને ફગાવી દેવાઈ છે. કોર્ટે વિસ્મયને જણાવ્યું હતું કે, આપણા દેશમાં પણ ઘણી સારી જગ્યાઓ છે, તમે ત્યાં પણ ફરવા જઈ શકો છો.વિસ્મય શાહના 13 ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા, અને તે હનિમૂન માટે વિદેશ જવા પ્લાનિંગ કરી રહ્યો હતો. જેના માટે તેના વકીલોએ કોર્ટમાં અરજી કરી પાસપોર્ટ રિન્યૂ કરાવવાની મંજૂરી આપવા માગ કરી હતી. વિસ્મયનો પાસપોર્ટ છેલ્લા પાંચ વર્ષથી કોર્ટના કબજામાં છે. વિસ્મયના વકીલે તે ક્યાં જવા માગે છે તેની વિગતો પણ આપી હતી, પરંતુ કોર્ટે વિસ્મયનો પાસપોર્ટ આપવાનો ઈનકાર કરી દીધો હતો.ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં પણ ઘણા સારા ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ છે. કોર્ટે હળવા ટોનમાં કહ્યું હતું કે, વિસ્મય આ જગ્યાઓએ પણ જઈ શકે છે, અને તેને હનિમૂન માટે વિદેશ જવા તૈયાર નથી. રસપ્રદ વાત એ છે કે, કોર્ટે વિસ્મયના પાસપોર્ટને રિન્યૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ નવો પાસપોર્ટ પણ વિસ્મય પાસે નહીં, કોર્ટ પાસે જ રહેશે.બે યુવકોના ભોગ લેનારા હિટ એન્ડ રન કેસમાં વિસ્મયને 2015માં સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી તેને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. વિસ્મયે 24 ફેબ્રુઆરી 2013ના રોજ અકસ્માત કરી રાહુલ અને શિવમ નામના બે યુવાનોને ઉડાવી દીધા હતા. હાલ તેને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા બાદ તે બહાર છે. વિસ્મયે જામીન માટે ટ્રાયલ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, જેને ફગાવી દેવાઈ હતી.અમદાવાદમાં જબરજસ્ત ચકચાર મચાવનારા આ કેસમાં મોતને ભેટેલા બંને યુવકોના પરિવારોએ અગાઉ છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. જોકે, હવે બંને પરિવારોએ આ કેસમાં સમાધાન કરી લીધું છે. એટલું જ નહીં, અકસ્માતને નજરે જોનારો સાક્ષી પણ ફરી ગયો છે.