શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (15:10 IST)

અમદાવાદ શહેરમાં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

શહેરમાં બાળકો માટેના ખાસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ક્લબ ઓ સેવનમાં કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની જાહેરાત કરતા ફિલ્મ ફેસ્ટિવલના ફાઉન્ડર અને ક્યુરેટર ચેતન ચૌહાણે જણાવ્યું હતું કે, બાળકો માટેની ફિલ્મ્સ આમ પણ ઓછી બને છે. આ ફિલ્મ્સ તેના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી પણ નથી શકતી ત્યારે અમે આ ફેસ્ટિવલનું આયોજન બાળકો સુધી તેમના માટે ખાસ બનાવવામાં આવેલી ફિલ્મ્સ પહોંચાડવા કર્યું છે. જેમાં બાળકો માટેની અને બાળકોએ બનાવેલી બન્ને ફિલ્મ્સ દર્શાવવામાં આવશે..
આ ફેસ્ટિવલના ડાયરેક્ટર વિનોદ ગણાત્રાએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં દર વર્ષે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજીશું. જેનો ઉદ્દેશ બાળકોને ચિલ્ડ્રન સિનેમાથી વાકેફ કરવાનો છે. આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશની ચિલ્ડ્રન ફિલ્મ્સના સ્ક્રીનિંગ ઉપરાંત સ્ક્રિપ્ટ રાઇટિંગ, સ્ટોરી ટેલિંગ, એક્ટિંગ તથા સંપૂર્ણ ફિલ્મની મેકિંગ પ્રોસેસ જેવા વિષયો ઉપર વર્કશોપ્સ પણ યોજાશે. આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ મેકિંગની હરીફાઈ યોજીને તેમની પ્રતિભા અને ફિલ્મ મેકર તરીકે તેમના કામને એક પ્લેટફોર્મ પણ અપાશે..
આ ફેસ્ટિવલના સ્ક્રીનિંગ તથા હરીફાઈ માટે કુલ ચાર કેટેગરી છે. જેમાં ચિલ્ડ્રન ફીચર ફિલ્મ (41 મિનિટ અથવા તેનાથી વધારે), શોર્ટ ફિલ્મ (40 મિનિટ અથવા તેનાથી ઓછી), ડોક્યુમેન્ટરી ફિલ્મ (10થી 40 મિનિટ) તથા સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરી (5થી 40 મિનીટ) રહેશે. એન્ટ્રી માટે ફિલ્મની બધી જ ભાષાઓ માન્ય રહેશે. આ ફેસ્ટિવલમાં ફિલ્મ્સ આપવા માટે https://filmfreeway.com/aicff પર ફિલ્મ્સ અપલોડ કરવાની રહેશે. બધી જ કેટેગરી માટે 20 જાન્યુઆરી 2019 સુધીમાં બનેલી ફિલ્મ્સ જ સબમિશન માટે માન્ય ગણાશે.
ફિલ્મનું ફાઈનલ લિસ્ટ તથા સ્ક્રીનિંગની સંપૂર્ણ માહિતી જાન્યુઆરી 2019માં જાહેર કરવામાં આવશે. બાળકો માટે આ ફેસ્ટિવલ સંપૂર્ણ નિ:શુલ્ક રહેશે. આ ફેસ્ટિવલમાં જ્યૂરી આરતી પટેલ, મનીષ સૈની, રાજેન્દ્ર મહાપાત્રા, એ.એસ. કાનલ તથા દર્શન ત્રિવેદી છે.AICFF ફાઉન્ડર: ચેતન ચૌહાણ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડટ્રી સાથે જોડાયેલા છે તેમજ તેઓએ વિવિધ શહેરોમાં છેલ્લા 10 વર્ષોમાં ૩૦થી વધારે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલના સ્ક્રીનીંગ કરેલા છે.