સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (17:00 IST)

પાકિસ્તાનની જેલમાં બંધ કુલદિપની બહેનને નોકરી આપવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

ચાંદખેડા વિસ્તારના રહેવાસી અને હાલ પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ નાનકચંદ યાદવને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે કુલદીપની બહેન રેખા યાદવને વળતર પેટે ભારત સરકારે નોકરી આપવી જોઈએ. આમ હાઈકોર્ટના આ પ્રકારના ચુકાદાને કારણે રેખાને નોકરી તો મળશે પણ કુલદીપને ભારત લાવવાની પ્રક્રિયા ઉપર ફરી એક વખત બ્રેક લાગી છે.  આ પહેલા કુલદીપની બહેન રેખા યાદવે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી દાદ માગી હતી. કુલદીપની બહેન રેખાએ રજૂઆત કરી હતી કે તેનો ભાઈ કુલદીપ 24 વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે, આ અંગે ભારત સરકારને અનેક રજૂઆત કરવા છતાં ભારત સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં હાઈકોર્ટે કુલદીપને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઈએ અને પરિવારને વળતર ચુકવવું જોઈએ. આ અંગે હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેખાને નોકરી આપવા માટે આદેશ કર્યો હતો. જેથી રેખા યાદવની ભાઈને વતન લાવવાની પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ છે. કુલદીપ યાદવ જૂન 1994થી જાસૂસીના આરોપસર પાકિસ્તાનના કબજામાં છે. કુલદીપને જાસૂસી કરવાના આરોપસર 25 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. 2007માં કુલદીપના માતા માયા દેવીએ એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યા મુજબ, ''તે 1989માં નવી દિલ્હીમાં નોકરી માટે જવાનું કહીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ તેણે ક્યાં નોકરી મળી છે તે અંગે કંઈ કહ્યું નહોતું.  કુલદીપે ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા એક માછીમાર સાથે પત્ર મોકલ્યો ત્યારે ખબર પડી કે કુલદીપ પાકિસ્તાનની જેલમાં બંધ છે. ''આ અંગે 1 ફેબ્રુઆરી 2007ના રોજ ભારતીય હાઈ કમિશન દ્વારા મોકલવામાં આવેલા એક પત્ર દ્વારા જાણ થઈ કે, કુલદીપ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ છે. જ્યાં એક સમયે 'સરબજીત'ને પણ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વકીલ એમ.કે પૌલ અને ફેમિલીએ કુલદીપને મુક્ત કરાવવા માટે એક લાંબી લડત શરૂ કરી હતી. વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવી યાદવને વતન પરત લાવવા કાર્યવાહી કરવા વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો હતો.