બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2023 (19:13 IST)

વાવાઝોડાને કારણે વિમાની સેવાઓને લઈ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની બેઠક મળી

અરબ સાગરમાંથી બિપરજોય વાવાઝોડુ કચ્છ અને પોરબંદરને ટકરાય તેવી શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અત્યારે વાવાઝોડુ ગુજરાતથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 600 કિલોમીટર જેટલું દૂર છે ત્યારે હવામાન વિભાગે આવતીકાલથી બે દિવસ સુધી ગુજરાતમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે.

વાવાઝોડાને પહોંચી વળવા ગાંધીનગરથી રાજ્ય સ્તરે કવાયત હાથ ધરવામા આવી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મિટિંગ યોજાઈ ચુકી છે. જેમાં તમામ મામલતદારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. વાવાઝોડુ દરિયા કાંઠાના વિસ્તારોને વધુ અસર કરતું હોવા છત્તા વધુ પવન, વિઝિબિલીટી, વરસાદ જેવા કારણો વિમાની સેવાઓને અસર કરતા હોય છે. જેને લઈને અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પણ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વાવાઝોડામાં શું કરવું અને શું ન કરવું? તેની સૂચનાઓ અપાઈ હતી. ખાસ કરીને વધુ પવનમાં ઉડે તેવો સામાન એરપોર્ટ પરથી દૂર કરવા સૂચન અપાયું છે. વરસાદ દરમિયાન એરપોર્ટ પર પાણીનો ભરાવો થાય છે ત્યારે તેના ઝડપી નિકાલ માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. અત્યારે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સની અવર-જવર રેગ્યુલર છે પરંતુ, વાવાઝોડાને લઈને વિઝિબિલીટી તેમજ પવન જેવા કારણો જોતા ઓપરેશન બંધ કરવું કે કેમ તે નિર્ણય લેવામાં આવશે. અત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ 40 જેટલી ફલાઇટ ઓપરેટ થાય છે. જેમાં અત્યારે હજ માટેની સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ પણ છે. ઉપરાંત UK અને ઓસ્ટ્રેલિયાની પણ ફલાઇટ છે. 14 જેટલી આંતરરાષ્ટ્રીય જગ્યાએ અમદાવાદ એરપોર્ટથી સીધા જઈ શકાય છે. ઉપરાંત દેશના મોટા શહેરોને જોડતી પણ રેગ્યુલર ડોમેસ્ટિક ફલાઇટ છે. ત્યારે વાવાઝોડા સમયે પરિસ્થિતિ અનુસાર ફલાઇટ ડાયવર્ઝનના નિર્ણય પણ લેવાઈ શકે છે.