AMTS બસમાં આગ લાગતા મચી અફરા તફરી
અમદાવાદમાં આજે વહેલી સવારે એક દુર્ઘટના બની છે. વાસ્તવમાં એસ.જી. હાઈવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક આજે સવારે એક AMTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બસમાં મુસાફરો હાજર હતા, પરંતુ ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતા કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી.
પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ AMTS રૂટ નંબર 501ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જતી હતી. દરમિયાનમાં સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે તરત જ પરિસ્થિતિ સમજી બસને રસ્તાની બાજુમાં ઉભી રાખી અને મુસાફરોને શાંતિથી પાછળના દરવાજેથી ઉતરવા કહ્યું. મુસાફરો ઝડપથી બસમાંથી બહાર નીકળી ગયા હોવાથી કોઈને ઈજા પહોંચી નથી. ત્યારબાદ બસના એન્જિન ભાગમાં આગ ભડકી ઉઠી હતી.
નવી નવી બસો ખરીદવા છતા આ રીતે વહેલી સવારે જ બસમાં આગ લાગે ત્યારે તે ટેકનિકલ ખામી તરફ સ્પષ્ટપણે ઇશારો કરે છે. આ બાબતની તપાસ થવી અનિવાર્ય છે કે બસના નિર્માણમાં કોઈ કંપની સ્તરે ફોલ્ટ છે કે કેમ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવતી બસો ખાસ કરીને ઇલેક્ટ્રિક બસોમાં જો આવા બનાવો બને તો તેની જવાબદારી ઉત્પાદક કંપનીની બને છે, આ સમગ્ર મામલે બસ ઓપરેટર વિરુદ્ધ નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે.