અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એક મહિના સુધી સાંજની OPD બંધ કરવાનો નિર્ણય લેવાયો
ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સંક્રમણ હદ બહાર વધી ગયું છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કે.કૈલાસનાથને સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
સિવિલ મેડિસીટીમાં આવેલ કેન્સર અને કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં હવે હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ રહી છે. અગાઉ કોરોનાના દર્દીઓને 1200 બેડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હતાં પણ હવે કેમ્પસમાં આવેલી અન્ય હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવી રહ્યાં છે. જેમાં 75 ટકા દર્દીઓને કોઈપણ સંજોગોમાં ઓક્સિજનની જરૂરિયાત છે. છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના કારણે અનેક પરિવાર સંક્રમિત થઈ રહ્યાં છે. નવા સ્ટ્રેનમાં પરિવારના એક કરતાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અગાઉ માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ આવતાં હતાં પણ હવે ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે.