મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (11:22 IST)

જંગલી જાનવરના હુમલાથી ગરીબ ખેડૂતે 40 ટકા ચહેરો ગુમાવ્યો,સતત 10 કલાક ચાલી સર્જરી,અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જનની ટીમે ઇજાગ્રસ્ત ચહેરાનું પુન:સર્જન કર્યુ

જંગલી જાનવરના હુમલાથી ગરીબ ખેડૂતે 40 ટકા ચહેરો ગુમાવ્યો,સતત 10 કલાક ચાલી સર્જરી,અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જનની ટીમે ઇજાગ્રસ્ત ચહેરાનું પુન:સર્જન કર્યુ
 
પ્રવીણભાઇ કરસનભાઇ ભોભી જાન્યુઆરી મહિનામાં રાત્રી સમય દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા. એકા-એક જંગલી પ્રાણીએ તેમના પર ધાતકી હુમલો કર્યો ! આ હુમલો એટલો ધાતક હતો કે જંગલી પ્રાણીના પંજાથી પ્રવીણભાઇના ચહેરા પર થયેલ ઇજાએ ચહેરાના 40 ટકા ભાગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યુ. ઇડર તાલુકાના આંકલા ગામમાં રહેતા પ્રવીણભાઈ ભોભી બચી તો ગયા પણ જંગલી પ્રાણીના પંજાના પ્રહારથી તેમનો 40 ટકા ચહેરો બગડી ગયો હતો.
અચાનક બનેલી આ ઘટના બાદ પ્રવીણભાઈના સગા તેમને ઇડર હોસ્પિટલ લઇ ગયા, ત્યાંથી તેમને હિંમતનગર હોસ્પિટલે લઇ જવાયા. હિંમતનગર હોસ્પિટલના તબીબોએ તેમના ઇજાગ્રસ્ત થયેલા બેડોળ ચહેરાને જોઇને સર્જરીની ગંભીરતાનું અનુમાન લગાવી લીધી હતું. જે કારણોસર જ પ્રવીણભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કર્યું. અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ તેમને બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યાં. 
અહીં ચકાસણીના અંતે જણાયું કે જાનવરના પંજાના પ્રહારથી પ્રવીણભાઈએ ચહેરાના ડાબા ભાગે આંખનું ઉપલી અને નીચલી પાંપણ , ગાલ, ઉપલા હોઠનો એક હિસ્સો તથા નાકનો અમુક હિસ્સો ગુમાવી દીધો હતો. આ પરિસ્થિતિમાં થોડા સમય બાદ પ્રવીણભાઈની હાલત દયનીય બની જાય તેમ હતી, તેથી ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈની રિકન્સ્ટ્રક્ટિવ (પુનઃનિર્માણ) સર્જરી કરીને પ્રવીણભાઈને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો. 
ગાલ અને હોઠના ભાગે નરમ પેશીઓની ખામીને પૂરવા માટે રેડિયલ ફોરઆર્મ ફ્રી માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરવામાં આવ્યું. નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને બનાવવામાં આવેલા, જ્યારે નાક અને આંખની અંદરનો ભાગ બનાવવા સાથળ ની ચામડી અને તાળવા માંથી મયુકોસા લેવામાં આવેલા.
પ્રવીણભાઈની સર્જરી કુલ મળીને 10 કલાક સુધી ચાલી હતી અને તમામ પ્રથમ રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) એક જ વખતની સર્જરીમાં કરવામાં આવ્યા હતાં. ડો. જયેશ પી. સચદે, ડો. માનવ પી. સુરી, ડો. હિરેન એ. રાણા અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ, એનેસ્થેસિયા વિભાગ તથા ઓપ્થેલ્મોલોજી વિભાગની ટીમ પણ આ સર્જરીમાં જોડાઈ હતી.
આ કિસ્સાથી સાબિત થાય છે કે ગુજરાતમાં અગાઉ આવી ખર્ચાળ સર્જરી માત્ર ધનિક વર્ગ જ કરાવી શકતા હતા જે આજે સરકારી હોસ્પિટલોમાં ગરીબ વર્ગના લોકો માટે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ છે.
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સતત 10 કલાક થી વધુ સમય ચાલેલી પ્રવીણભાઈની સર્જરી અને સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઈ છે, જેની સામે અન્યત્ર ખાનગી હોસ્પિટલમાં અંદાજિતપણે 10 થી 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત. 
*કોવિડ 19 ની મહામારીના કપરા કાળમાં પણ અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગે સહેજ પણ ડગ્યા વગર દર્દીઓની સેવા કરી હતી અને આ ગાળામાં અંદાજે 1300 જેટલી સર્જરી કરીને કર્તવ્યપરાયણતાની મિસાલ સ્થાપી છે.
પ્લાસ્ટિક સર્જરી 
સામાન્ય રીતે આ શબ્દ સંભળાય એટલે લોકોના મનમાં એવી છાપ છે કે તેનો ઉપયોગ માત્ર ધનિક વર્ગના લોકો ફૅસ મેકઓવર, ચહેરો વધુ આકર્ષક કે નવપલ્લવિત કરવા, નાકને વધુ આકર્ષક બનાવવા માટે કરે છે. આ નાના માણસોના કામની વાત નથી! આ ભૂલભરેલી ધારણાને ખોટી પાડતો કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જીને ડોક્ટર્સની ટીમે તદ્દન વિનામૂલ્યે થયેલી પ્લાસ્ટિક સર્જરી દ્વારા સાબરકાંઠાના એક ગરીબ ખેડૂતને નવો ચહેરો પ્રદાન કર્યો છે.