બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (09:59 IST)

અમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતાં 26 માંથી 22 વોર્ડ બંધ કરાયા

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હતો. ત્યાર બાદ હવે શહેરમાં કોરોનાના કેસો ખૂબ ઓછા જઈ જતાં સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમા પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હવે ત્યાંના 22 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યાં છે. સિવિલમાં હાલમાં માત્ર 83 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હાલમાં માત્ર ચાર વોર્ડ જ દર્દીઓ માટે કાર્યરત રાખવામાં આવ્યાં છે.

શહેરમાં એકંદરે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાત દિવસ મહેનત કરી રહેલા કોરોના વોરિયર્સને પણ હાશકારો અનુભવાયો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલમાં માત્ર 83 દર્દીઓ જ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે તથા 35 દર્દીઓ બાયપેપ પર સારવાર લઈ રહ્યાં છે.કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી જતાં 1200 બેડના 26 વોર્ડમાંથી 22 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 189 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હવે ખાનગી હોસ્પિટલોની સંખ્યા ઘટીને 81 પર પહોંચી ગઈ છે. જેમાં કુલ 3005 બેડની કેપેસિટી છે. જેમાંથી 2816 બેડ ખાલી થયાં છે. હવે ખાનગી હોસ્પિટલોમાં પણ 94 ટકા બેડ ખાલી થયાં છે. ખાનગી હોસ્પિટલોમાં 19 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 201 વેન્ટિલેટર બેડ ખાલી છે. સોલા સિવિલમાં પણ દર્દીઓની સંખ્યા 15થી 22ની આસપાસ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ હવે કાબૂમાં આવી ગયું છે. કોરોના સંક્રમણમાં સતત ઘટાડાને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 91 નવા કેસ અને 181 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં એક દર્દીનું મોત થયું છે. જેની સાથે મૃત્યુઆંક 2,286 પર પહોંચ્યો છે. 21 જાન્યુઆરીની સાંજથી 22 જાન્યુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 88 અને જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 178 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 60,335 થયો છે. જ્યારે 56,058 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે