શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (15:33 IST)

અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને યુવકે 15 લાખ રૂપિયા માંગ્યા, પૈસા નહીં આપે તો અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમા રહેતી યુવતીને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે બિભત્સ ચેટ અને ફોટા પાડીને પૈસાની માંગણી કરી હતી. ફોટો અને ચેટના નામે યુવકે યુવતીને બ્લેકમેઈલ કરીને ધમકીઓ આપવાનું શરુ કર્યું હતું. તે ઉપરાંત યુવતીના પરિવારજનોને ફોટા મોકલવાની ધમકી આપીને 15 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ યુવતીએ જે યુવક સાથે સગાઈ કરી હતી તે યુવકને પણ મેસેજ કરીને આ યુવતી સારી નથી તેવું કહીને ધમકીઓ પણ આપી હતી. જેથી યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના રામોલ વિસ્તારમા રહેતી 27 વર્ષિય યુવતીને બે વર્ષ પહેલા ફેસબુક મારફતે મુકેશ પરમાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. બંને જણા ફેસબુક મેસેન્જરમા અવારનવાર ચેટિંગ અને વીડિયો કોલ પર વાતચીત કરતાં હતાં. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સમયે મુકેશે યુવતીને જણાવ્યું હતું કે હાલમાં તે કોઈ કામ ધંધો કરતો નથી અને જ્યારે કામ ધંધો શોધી લેશે ત્યારે લગ્ન કરશે. મુકેશ અવાર નવાર યુવતીની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકત કરાવતો હતો. અને તે હરકતોના સ્ક્રીનશોટ આ મુકેશે લઈ લીધા હતા.  મુકેશ આ યુવતીને અવાર નવાર પૈસાની જરૂર છે તેની પાસે કામ ધંધો નથી તેમ કહી ઓનલાઇન પૈસા પણ મંગાવતો હતો. જેથી યુવતીએ ટુકડે ટુકડે 35 હજાર જેટલા રૂપિયા મુકેશને આપ્યા હતા. 2021માં યુવતીને તેના પરિવારજનોએ સગાઈ કરાવી નાખી હતી. યુવતીએ પણ મુકેશને જણાવ્યું હતું કે તેની સગાઈ થઈ ગઈ છે અને હવે તેની સાથે તે વાતચીત નહીં કરે. જેથી મુકેશે યુવતે બિભત્સ ફોટો વાળા સ્ક્રીનશોટ મોકલી આપ્યા હતા અને ધમકી આપી કે 10 થી 15 લાખ રૂપિયા નહીં આપે તો આ ફોટો અને વીડીયો વાયરલ કરી તેને બદનામ કરી દેશે. બિભત્સ ફોટોના પોસ્ટરો છપાવી જાહેરમાં ચિપકાવી દેશે. હદ તો ત્યારે થઈ જ્યારે યુવતીના ફિયોન્સનો પણ નંબર મેળવી મૂકેશે મેસેજ કર્યા હતા કે આ છોકરી સારી નથી અને લગ્ન પહેલાં તેનું બેકગ્રાઉન્ડ જાણવું પડે તેમ કહી તેના ફોટો મોકલ્યા હતા અને આનાથી પણ ખરાબ ફોટો જોઇતા હોય તો મોકલી આપીશ એમ મુકેશએ કહ્યું હતું. યુવતીના ફિયાન્સે આ અંગે તેના પિતરાઈ ભાઈને જાણ કરતા યુવતીએ સમગ્ર હકીકત જણાવી હતી અને બાદમાં મુકેશએ યુવતીની બેન તથા ભત્રીજી તથા ભાભીના નામથી અલગ-અલગ નકલી આઇડી બનાવી તેના પરિવારના સભ્યોને રિક્વેસ્ટ મોકલી અને બાદમાં પૈસાની માગણી કરવા લાગ્યો હતો. યુવતીએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે મુકેશ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.