વરસાદી પાણીમાંથી જતા હોય તો સાવધાન, અમદાવાદમાં પતિ-પત્નીને પાણીમાં કરંટ લાગતા મોત
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઇકાલે મોડીરાતે મોટી દુર્ઘટના થઈ હતી. નારોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા હતા. આ વરસાદી પાણીમાંથી દંપતી ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને વરસાદી પાણીમાંથી વીજકરંટ લાગતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. મળતી માહીતે મુજબ પત્ની ફસડાઈ પડતાં પતિ તેને બચાવવા ગયો હતો. પરંતુ તેને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. હાલ આ ઘટનાને કારણે આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આઠમી તારીખે રાતે 10.45 કલાકે નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીના નાકે અંકિતાબેન તથા રાજન સિંગલ, ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા આ રોડ પર મોટા ખાડા પડેલા છે અને એમાં જ વરસાદી પાણી ભરાયેલાં હતાં. એમાં અચાનક જ ખાડો આવતાં પતિ-પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયાં હતાં. સ્થાનિકો તાત્કાલિક દોડી ગયા હતા, જોકે વીજ કરંટ હોવાથી વીજ કંપનીના અધિકારીઓને અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં, જોકે બંનેનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોકલી આપવામાં આવ્યા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી છે.