બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (09:41 IST)

અમદાવાદમાં ધ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની મહિલા એકાઉન્ટન્ટે સ્કૂલ અને સંસ્થાના રૂ. 3.21 કરોડની ઉચાપત કરી

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની મહિલા એકાઉન્ટે સ્કૂલની ફી અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા મળી કુલ રૂ.3.21 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આરોપી મહિલા એકાઉન્ટન્ટે પૂર્વ આચાર્ય ફાધર ચાર્લ્સ અરૂલદાસની ચેકમાં ખોટી સહીઓ કરી હતી. RTGS મારફતે બીજાના ખાતામાં પૈસા જમા કરવાયા હતા જે તમામ બાબતો ઓડિટમાં બહાર આવતાં ભાંડો ફૂટ્યો હતો. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં 21 વર્ષથી સ્કૂલમાં મનીષા વસાવા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. સ્કૂલના એકાઉન્ટની તમામ જવાબદારી આવે છે. સ્કૂલનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડીડક્શન ખાતું છે. જેમાં કર્મચારીઓના પીએફના નાણાં જમા કરાવવામાં આવે છે. ઓડિટ દર વર્ષે એમ.એ.શાહ પેઢી દ્વારા કરવામાં આવે છે. આ પેઢીના ક્લાર્ક કમલેશભાઈ ઓડિટ કરવા આવવાના હોવાથી ફાધર ઝેવિયર પાસે હિસાબો માંગવામાં આવ્યા હોવાથી તેઓએ મનિષાને તમામ હિસાબો આપી દેવા જણાવ્યું હતું. જોકે મનિષાએ હિસાબ આપ્યા ન હતા. આ ઉપરાંત તે વગર મંજૂરીએ શાળામાં ગેરહાજર રહેતી હતી. મનિષાએ શાળાએ આવવાનું જ બંધ કરી દીધું હતું. આથી શાળાની ક્લાર્ક એડના રાઠોડ અને મોનિકાએ હિસાબો આપ્યા હતા. એકાઉન્ટ મનિષાના વર્તન અને ગેરહાજરીના કારણે ફાધર ઝેવિયરને કઈક ગરબડ થયાની શંકા ગઈ હતી. ઓડિટમાં પણ ગરબડ હોવાનું બહાર આવતાં શંકા પાકી થઈ હતી. સ્કૂલ અને તેની સંસ્થાઓના સેન્ટ્રલ બેન્કમાં આવેલ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાંથી મનિષાએ 2019થી 2020 દરમિયાન રૂ. 2.84 કરોડ સ્કૂલના ડીડકશન એકાઉન્ટમાં આરટીજીએસથી અને જે તે સમયના પ્રિન્સીપાલ ફાધર ચાર્લ્સની ખોટી સહીઓ કરી ચેકથી ટ્રાન્સફર કરી હતી. ડીડકશન એકાઉન્ટની ચેક બુક મનીષા પાસે રહેતી હતી. બાદમાં ડીડક્શન એકાઉન્ટમાંથી મનિષાએ 23 જુલાઈ 2019થી 5 માર્ચ 2020 સુધીમાં રૂ.2.87 કરોડની રકમ અમદાવાદના જયેશ સુનિલ વાસવાનીના DCBE બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી હતી. આ સુનિલ વાસવાની સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝના નામે લીલામણી ટ્રેડ સેન્ટર, ફિલોલીથોમેસ, દુધેશ્વર રોડ ખાતે ઓફીસ ધરાવે છે. આ ઉપરાંત આરોપી મનીશાએ 2018, 2019 અને 2020 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રોકડમાં ભરવામાં આવેલી રૂ.33.65 લાખની રકમ પણ શાળાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી ન હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.