તહેવારોની મોસમમાં મુસાફરોની ચિંતા વધી: અમદાવાદમાં ટેક્સી-રિક્ષા યુનિયનોનું 7 થી 10 સુધી રિક્ષા-ટેક્સીની હડતાળ, Ola-Uber જેવી સેવાઓ સામે ભારે રોષ
Ahmedabad taxi rickshaw strike
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મળેલી મહત્વની બેઠક બાદ ટેક્સી અને રિક્ષા યુનિયનો દ્વારા 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ચાર દિવસીય હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળ દરમિયાન અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષાની તમામ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે શહેરના તમામ યુનિયનો એકજૂથ થઈને આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે એવો દાવો કરવામાં આવ્યો છે.ALSO READ: નાગપુર ફાયર બ્રિગેડ ટીમ ઈ-સ્કૂટરમાં લાગેલી આગને કાબુમાં લેવામાં નિષ્ફળ, પંપ પાણી છોડવામાં નિષ્ફળ
ઓલા-ઉબેર અને ગેરકાયદેસર બાઇક ટેક્સીઓ સામે ભારે રોષ
ટેક્સી-રિક્ષા ચાલકોનો મુખ્ય આક્ષેપ ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ આધારિત કંપનીઓની કામગીરી સામે છે, જેના કારણે ડ્રાઈવરોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદે રીતે ચાલતી ટુ-વ્હીલર (બાઇક) ટેક્સી સેવાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની પણ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.
સરકાર સમક્ષ રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આકરું પગલું
યુનિયનોના જણાવ્યા અનુસાર, ચાલકોના વિવિધ પડતર પ્રશ્નો અને આર્થિક મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા આ માંગણીઓ પર કોઈ સંતોષકારક નિર્ણય કે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે યુનિયનોને ના છૂટકે હડતાળનું આકરું પગલું ભરવાની ફરજ પડી છે.ALSO READ: બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી: રાજ્યના 3,334 શિક્ષકોને દંડ, અમદાવાદમાં 229 સામે કાર્યવાહી
મુસાફરો માટે મુશ્કેલી અને પરિવહન વ્યવસ્થા પર દબાણ વધશે
ચાર દિવસ સુધી સેવાઓ બંધ રહેવાથી દૈનિક મુસાફરો, ઓફિસે જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ એરપોર્ટ અને રેલવે સ્ટેશન જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ હડતાળને કારણે શહેરના અન્ય જાહેર પરિવહનના સાધનો પર વધારાનું દબાણ ઊભું થશે, ત્યારે હવે સરકાર યુનિયનો સાથે વાટાઘાટો કરીને હડતાળ ટાળે છે કે નહીં તેના પર સૌની નજર છે.
