સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 માર્ચ 2018 (12:41 IST)

કિર્તિદાન ગઢવીના ડાયરામાં હવામાં ફાયરીંગ, પોલીએ 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

જૂનાગઢમાં તાજેતરમાં એક લગ્ન સમારંભ દરમિયાન યોજાયેલા લોકડાયરામાં 6 શખ્સોએ હવામાં ગોળીબાર કર્યો હતો. એક તરફ કલાકારના મુખેથી ભજનના શબ્દો નિકળતા હતા, વાગે ભડાકા ભારી રે ભજનમાં વાગે ભડાકા ભારી...રે. તો બીજી તરફ ખરેખર હવામાં ભડાકા કરાઇ રહ્યા હતા. આ લગ્ન સમારોહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ અંગેની જાણ થતાં હવે પોલીસ પણ હરકતમાં આવી છે અને તપાસનાં ચક્રો ગતિમાન કરી 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.

જૂનાગઢનાં જોષીપરામાં રહેતા કાઠી દરબાર જસકુભાઇના ઘરે લગ્ન હતા. લગ્ન નિમીત્તે ખલીલપુર ચોકડી સ્થિત રામવાડીમાં ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનો, આગેવાનો, સાધુ સંતોની ઉપસ્થિતિમાં કિર્તીદાન ગઢવી પોતાના બુલંદ સ્વરમાં ભજન લલકારતા હતા. ભજનના શબ્દો કાને પડતાં ડાયરાની મોજ માણવા આવેલા કેટલાક શખ્સો તાનમાં આવી  પોતાની પાસે રહેલા બંદુક જેવા હથિયારમાંથી હવામાં ગોળીબાર કર્યો હતો. એક તરફ કેટલાક લોકો કલાકાર પર રૂપિયાનો વરસાદ વરસાવી રહ્યા હતા. તો બીજી તરફ ગોળીબાર થઇ રહ્યો હતો. જેના કારણે ડાયરાને બદલે યુદ્ધભૂમિ હોય એવો માહોલ ખડો થયો હતો.  આ ઘટનામાં બી ડીવીઝન પીએસઆઇ બી.કે. વાઘે 6 અજાણ્યા શખ્સો સામે આડેધડ ફાયરીંગ કરી, અન્યની જીંદગી અને શારીરિક સલામતી ભયમાં મૂકાય તેવું કૃત્ય જાહેર ફંકશનમાં કરી ગુનો કરવા બદલ ફરિયાદ નોંધી છે.