શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (13:11 IST)

સદભાવના ઉપવાસમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ, 'ગુજરાત ક્યારેય પ્રાંતવાદનો નારો ન આપી શકે'

gujarat samachar epaper
રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યો છે.  સદભાવના ઉપવાસ પહેલા  અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. પોલીસે અલ્પેશને ઉપવાસ માટે સવારના 11 વાગ્યાથી પાંચ વાગ્યા સુધીની મંજૂરી આપી છે.  ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાનો કોઈ સ્થાન નથી. જે બનાવો બન્યાં છે તે ખૂબ જ દુઃખદ છે. અફવાઓનું બજાર ચાલ્યું અને ગરીબોને લડાવવાનો પ્રયાસ થયો હતો. ગુજરાત ક્યારેય પ્રાંતવાદનો નારો ન આપી શકે."
અલ્પેશ ઠાકોર રા ણીપ ખાતે પોતાના નિવાસ્થાને જ ઉપવાસ પર બેસશે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાઓ અંગે અલ્પેશ ઠાકોરને દોષિત ગણાવવામાં આવ્યો છે. પરપ્રાંતિયો પર હુમલા તેમજ ઢુંઢર ખાતે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ તેમના વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પોસ્ટર્સ લાગ્યા છે. ઠાકોરોની બહુમતી ધરાવતા ગામોમાં લાગેલા પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલ માફી માંગે નહીં તો આ વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં નીતિન પટેલને અહીં ઘૂસવા દેવામાં નહીં આવે.અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસને કોંગ્રેસ પાર્ટીએ ખુલ્લીને સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના મોટા નેતાઓ પણ સદભાવના ઉપવાસમાં જોડાશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જગદિશ ઠાકોર સહિના નેતાઓ અલ્પેશના ઘરે હાજર રહેશે.