સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (11:52 IST)

પરપ્રાંતીયો પર હુમલા સંદર્ભે માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ અને પોલીસ વડાને આપી નોટિસ

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાના પગલે હવે માનવ અધિકાર પંચ પણ સક્રિય થયું છે. ઘટનાના આઠ દિવસ બાદ સક્રિય થયેલા માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને નોટિસ પાઠવી છે. તેની સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ મામલે માનવ અધિકાર પંચે ૨૦ દિવસમાં સંપૂર્ણ વિગતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠામાં બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ લોકોએ પરપ્રાંતિયો પર આક્રોશ ઠાલવતા ઘણાબધા પરપ્રાંતીયો હીજરત કરી ગયા છે. આ બનાવને પગલે રાજકારણ પણ ગરમાયુ છે. જ્યારે પરપ્રાંતીયો પરના હુમલા મામલે ડીજીપી શિવાનંદ ઝાએ નિવેદન આપ્યું હતું કે, હુમલાની ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે, પરપ્રાંતીય લોકો કામ કરતા હોય તે સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવશે. તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં પણ ઉશ્કેરણીજનક પોસ્ટ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જ્યારે રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હુમલાઓ અટકાવવા અને કડક પગલાં ભરવાની સૂચનાઓ આપી હતી. ઘટનાના આઠ દિવસ બાદ હવે માનવ અધિકાર પંચે રાજ્યના મુખ્ય સચિવ તેમ જ રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવીને ૨૦ દિવસમાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.