ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 29 મે 2023 (14:31 IST)

અમદાવાદમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, IPLના ચાહકો માટે ખરાબ સમાચાર

rain in IPL Final match
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો
આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
 
અમદાવાદઃ ગઈ કાલે અમદાવાદમાં વરસાદે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ફાઈનલની મેચ ધોઈ નાંખી હતી. ભારે વરસાદને કારણે મેચ રિઝર્વ ડે પર આજે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગઈકાલે હજારો ક્રિકેટ રસીકોને વરસાદને કારણે મેચ રદ થતાં નિરાશ થવું પડ્યું હતું. ત્યારે આજે રમાનારી ફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં તે અંગે ક્રિકેટ રસિકોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આજે પણ આઈપીએલની મેચમાં વરસાદ વિધ્ન બનશે. અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. 
 
IPL મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર 15 જૂન આસપાસ બેસે તેવી શક્યતા છે. તેમજ 4 જૂન સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધી એક સાઇકલોનની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકશાન થવાની ભીતી છે. રોહિણી નક્ષત્રને લઈ હજુ પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. તેથી IPL મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. 
 
24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ 
ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો સાથે  અમદાવાદ શહેરમાં પણ 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે.અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ, બનાસકાંઠાના વડગામ અને પાટણના ચાણસ્મામાં પણ 2 ઈંચ આવ્યો છે. તેમજ મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં જોધપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
ભારે પવન સાથે વરસાદ આગાહી
અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યું હતું. રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે, હવે આ ઉનાળાનો છેલ્લો તબક્કો છે અને ત્યારબાદ વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજથી આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે.