રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (09:53 IST)

ઠંડીને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી, ઠંડી સાથે માવઠાનો માર પડશે

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં એશિયાના ભાગો ઠંડાગાર બની જશે. જો ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાંથી આવતા સીધા પવનોના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી કહેર વર્તાવશે. 
 
અંબાલાલ પટેલે ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, હાલ ધીરે ધીરે થોડી થોડી ગરમી વધશે પરંતુ 24મી જાન્યુઆરી બાદ એટલે કે 25 જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આ ઠંડી ઘણી જ આકરી પડી શકે છે. આ ઉપરાંત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પણ આગાહી છે. જ્યારે 29મી તારીખની આસપાસ વાદળવાયું વાતાવરણ થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઇ શકે છે. દેશનાં ઉત્તરનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અમેરિકા અને યુરોપનાં દેશોમાં હિમનાં તોફાનો પણ થવાની શક્યતા રહેશે.
 
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જૂનાગઢ, રાજકોટ સહિત ગિરનાર પંથકમાં કાતિલ ઠંડી પડશે, જે લાંબી ચાલશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઉભા પાકમાં હિમ પડવાની શક્યતા રહેશે. આથી પાકને બચાવવા માટે ખેડૂત ભાઈઓએ આવશ્યક પગલા લેવા જોઈએ. દેશના ઉત્તર ભાગોમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાના પગલે બરફીલા પવન ફૂંકાશે. 
 
શહેરી વિસ્તારોમાં લોકો ઠંડી હોવા છતાં બગીચામાં કસરત કરી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. કેટલાક સ્થાનો પર બાળકોને ધ્યાનમાં રાખી શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 
 
ગરમ કપડાનો પુરતો સ્ટોક રાખો, કટોકટીમાં કામ લાગે એવી ચીજો ખોરાક, પાણી ઇંઘણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ, દવાઓ હાથવગી રાખો. દરવાજા અને બારી યોગ્ય રીતે બંધ રાખો જેથી ઠંડા પવન ઘરમાં નહીં આવે. નિયમિતપણે ગરમ પાણી કે પ્રવાહીનું સેવન કરો. ઠંડીથી બચવા માટે ભારે કપડાના એક સ્તરના બદલે બહારથી વીન્ડપ્રુફ નાયલોન કોટન અને અંદર ઊનના ગરમ કપડા પહેરવા.
 
ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવીડ અને અન્ય શ્વસન ચેપથી બચવા માટે માસ્ક પહેરો. આ ઉપરાંત પૂરતી રોગપ્રતિકારક શકિત જાળવવા માટે વિટામીન સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે.