મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (15:57 IST)

વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી તો પણ દુકાનના દસ્તાવેજ પાછા ન આપી વ્યાજખોરે વ્યાજનું વ્યાજ માંગી દીકરાને મારવાની ધમકી આપી: લલીતભાઇ સોની

money salary
"એ દિવસ મને બરાબર યાદ છે. મને પૈસાની ખૂબ જરૂર હતી. બેંકની લોન લઇ શકું એવી ધીરજ ન્હોતી. સગા-સંબંધી, મિત્રો દરેકના દરવાજે દસ્તક દઇ દીધા પછી મારી પાસે એક જ દરવાજો બાકી બચ્યો હતો, અશોક સોનીનો. મને ખબર હતી કે એ વ્યાજે પૈસા આપે છે. નાનો હતો ત્યારે વડીલોએ શિખામણ આપેલી કે, બધું કરજે પણ વ્યાજનાં ચક્કરોમાં ના પડતો…પણ શિખામણ સામે જરૂરિયાત વધારે મોટી બની ગઇ હતી.
 
મેં અશોક સોની પાસે 3%નાં દરે રૂપિયા 80,000/- વ્યાજે લીધા. અશોક સોનીએ આ 80 હજાર સામે મારી દુકાનનો દસ્તાવેજ લઇ લીધેલો. એમણે કહેલું વ્યાજ સાથે મુદ્દલ પરત કરી દઇશ તો દસ્તાવેજ પાછો આપી દેશે. મેં નક્કી કરેલું વ્યાજ સહિત એક-એક પાઇ ચૂકી દેવાનું. મેં ખૂબ મહેનત કરી અને ટુકડે-ટુકડે અશોકભાઇને વ્યાજ સહિત રૂપિયા 1,89,000/- રૂપિયા ચૂકવી દીધા. આ પૈસા ચૂકવી દીધા પછી મેં રાહતનો શ્વાસ લીધેલો. મને એમ કે હવે અશોકભાઇ દસ્તાવેજ પાછો આપી દેશે, પણ એમણે એવું કર્યું નહીં. એમણે વ્યાજનું પણ વ્યાજ માંગ્યું. મને આઘાત લાગ્યો. 
 
મેં કહ્યું, ‘અશોકભાઇ-તમે વચનભંગ કરો છો..!’ પણ એમણે સાંભળ્યું નહીં. દુકાનનો દસ્તાવેજ પાછો ન આપ્યો. એમણે વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી અને જો આ પૈસા ન ચૂકવું તો દુકાનનો દસ્તાવેજ તો પાછો ન જ આપે પણ મારા દિકરાને માર-મારવાની વાત પણ કરી. દિકરાને માર-મારવાની વાતથી હું હેબતાઈ ગયો. ખૂબ વિચાર્યું-પહેલા તો એવું થયું કે જીવનની બધી જ મૂડી દાવ પર લગાડી અશોક સોનીને એક લાખ રૂપિયા આપી દઉં-પણ દિકરાએ અને પરિવારે હિંમત આપી. 
 
અમે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું. મને લાગે છે કે-આ નિર્ણય અમારો સર્વશ્રેષ્ઠ નિર્ણય હતો. અમરોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને અમે આખી વાત કરી. એમણે તાત્કાલિક જરૂરી તપાસ કરી-અશોક સોનીની સામે ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરી લીધી. અમારી દુકાનનો દસ્તાવેજ હવે નામદાર કોર્ટ પાસેથી પરત મળશે."
 
આ વાત પૂરી કરતા-લલીતભાઇ સોની રાહતનો શ્વાસ લે છે. એમનાં ચહેરા પર એક સંતોષ અને શાંતિ બંને છલકાય છે. લલીતભાઇ કહે છે કે-બેંક પાસેથી લોન લીધી હોત તો સસ્તી પડી હોત. વ્યાજનાં ચક્કરમાં મુદ્દલ કરતા બે ગણી રકમ ચૂકવી અને પઠાણી ઊઘરાણીનો માનસિક ત્રાસ પણ વેઠ્યો. સુરત શહેર પોલીસે અશોક સોનીનાં ચુંગાલમાંથી ઉગારી લીધા એ બદલ એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.