બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (14:29 IST)

વિદ્યાર્થીઓ વિદેશ પહોંચી જાય પછી પણ લોન નથી મળતી, ભાજપના ધારાસભ્યનો CMને પત્ર

kumar kanani
સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સંદર્ભે રજૂઆત કરી છે. તેમણે પત્ર લખીને માંગ કરી છે કે, વિદેશ જતાં વિદ્યાર્થીઓને 6 મહિના સુધી લોન ચૂકવવામાં નથી આવતી. તેઓ વિદેશ પહોંચી જાય પછી પણ લોન ચૂકવાતી નથી. જેથી તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે સમયસર લોન ચૂકવાય તેવા પગલાં લેવામાં આવે.
letter to cm

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કોઈપણ કારણોસર સરકારને રજૂઆત કરતાં હોય છે. હવે તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે ગુજરાત સરકારે તૈયાર કરેલી યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે. પરંતુ તેનો અમલ થવામાં વિલંબ થાય છે. મને કેટલીક ફરિયાદો મળી છે. તેને લઈને મેં સરકારમાં રજૂઆત કરી છે. મારી પાસે અનેક ફરિયાદો આવી હતી જેમાં વિઝા, એડમીશન મળી ગયા બાદ પણ જે લોન આપવામાં આવે છે તે મળતી નથી. જેથી વાલીઓને ગમે ત્યાંથી વ્યવસ્થા કરવી પડે છે. જેથી મેં સરકારનું ધ્યાન દોરવા આ પત્ર લખીને રજૂઆત કરી છે.