મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (15:57 IST)

ગુજરાતમાં ફિલ્મ ‘પઠાણ’ના રિલીઝ પહેલાં સુરક્ષાને લઈને મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને માગી મદદ

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પહેલાં મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતના અધ્યક્ષ મનુ પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મદદ માગી છે.
 
25 જાન્યુઆરીએ ફિલ્મ રીલીઝ થવાની છે એ પહેલાં મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને સુરક્ષાની માગ કરી છે.
 
ધ મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાત તરફથી આપવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "થિયેટરમાં જે ફિલ્મ લાગે છે, તે પહેલાં સેન્સર બોર્ડ પાસે જાય છે અને ત્યાર પછી જ તેને રિલીઝ કરવામાં આવે છે."
 
તેમનું કહેવું છે કે, "થિયેટર એક બિઝનેસ છે અને તેમને બિઝનેસ કરવાનો અધિકાર છે, જેથી તેમણે વિનંતી કરી છે કે આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને યોગ્ય સહકાર આપવામાં આવે."
 
પત્રમાં એવું પણ લખ્યું છે કે, "છેલ્લા 20 દિવસમાં મલ્ટિપ્લેક્સના માલિકોને સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, તેથી તેમને સુરક્ષા આપવામાં આવે. જો કોઈ ફિલ્મથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ભારત સરકાર પાસે કે પછી કોર્ટમાં જઈ શકે છે."
 
આ પહેલાં બજરંગદળે અમદાવાદમાં આ ફિલ્મના પૉસ્ટરો ફાડ્યાં હતાં. આ પરિસ્થિતિને જોતા મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતે આ પત્ર લખ્યો છે.
 
નોંધનીય છે કે, ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ થઈ રહ્યો છે. હિન્દુવાદી સંગઠનોને ફિલ્મ અભિનેત્રીએ પહેરેલાં કપડાંના રંગ સામે સામે વાંધો છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે.