ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (18:59 IST)

ટ્રાફિક સમસ્યા નિવારવા AMCની ડ્રાઇવ, જો યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય તો થશે કાર્યવાહી

જાહેર રોડ પરના દબાણો દૂર કરવાને લઇ એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી 
 
વાહન ચાલકો સાથે કોમર્શિયલ બિલ્ડિંગોના સંચાલકની પણ જવાબદારી નક્કી કરાઈ
 
અમદાવાદઃ શહેરમાં દિવસે દિવસે વધી રહેલા વાહનોને લીધે ટ્રાફિક સમસ્યા વકરી છે. શહેરમાં પાર્કિંગ કરવા માટેની વ્યવસ્થા નહીં હોવાથી વાહનચાલકો ગમે ત્યાં પાર્કિંગ કરતાં હોવાથી પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.હાઈકોર્ટના ઓર્ડરના પગલે AMCએ એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો સહિતના શહેરના પાંચ વીઆઇપી રોડને અલગ તારવીને આ રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ દૂર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. આ માટે તંત્રએ અધિકારીઓની નિમણૂંક કરી છે. જેમાં કામગીરી દરમિયાન તેઓ પોલીસનો બંદોબસ્ત પણ મેળવી શકશે. તેમની કામગીરીનો રિપોર્ટ સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા એસ્ટેટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને સુપરત કરવાનો રહેશે. 
 
મ્યુનિસિપલ કમિશ્નરે અધિકારીઓની ટીમ બનાવી
એસજી હાઈવેના પકવાન ચાર રસ્તાથી થલતેજ ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર તંત્રએ ઉત્તર-પશ્ચિમ ઝોનના ઇનચાર્જ આસિસ્ટન્ટ ટીડીઓ મોહન રાઠોડને ટ્રાફિકને નડતરરૂપ દબાણ તથા પાર્કિંગ દૂર કરવાના અમલીકરણ અધિકારી તરીકે નીમ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર યતીન્દ્ર નાયક સુપરવિઝન અધિકારીની ફરજ બજાવશે. એસજી હાઈવેના ઉજાલા સર્કલથી પ્રહ્લાદનગર, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના રોડના અમલીકરણ અધિકારી તરીકે દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર હિતેશ ચૌહાણ અને સુપરવિઝન અધિકારી તરીકે દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર પૃથ્વીસિંહ ઝાલાની નિમણૂક કરાઈ છે.
 
શહેરમાં અધિકારીઓએ કામનો રિપોર્ટ સબમીટ કરવો પડશે
સીજી રોડ માટે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર મકવાણા અને સુપરવિઝન અધિકારી તરીકે પશ્ચિમ ઝોનના આસિ. મ્યુનિ. કમિશનર રાહુલ શાહની નિમણૂક થઈ છે. જજીસ બંગલો રોડ પર ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર નીતિન આહુજા  અમલીકરણ અધિકારી અને ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિ. મ્યુનિ. કમિશનર હાર્દિક ઠાકોર સુપરવિઝન અધિકારીની ફરજ બજાવશે. નારણપુરા ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા થઈ પ્રભાત ચોક માટે મૌલેશ ઘોરેચા અમલીકરણ અધિકારી અને દિવ્યેશ પટેલ સુપરવિઝન અધિકારી તરીકે નિમાયા છે. ઘાટલોડિયાના ડમરું સર્કલથી ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના રોડ માટે મૂકેશ પટેલની અમલીકરણ અધિકારી અને દેવેન ભટ્ટની સુપરવિઝન અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. અધિકારીઓએ તેમની કામગીરીનો રિપોર્ટ સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા એસ્ટેટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને સુપરત કરવાનો રહેશે.