અમિત શાહના ઇશારે હાર્દિક પટેલના 267 સાથીઓની ખાનગી માહિતી એકત્ર કરાઇ
અનામત ખાતર પાટીદારો ભાજપથી ભારોભાર રોષે ભરાયેલાં છે. સવર્ણ આયોગની જાહેરાત છતાંયે પાટીદારો માનવા રાજી નથી. આ સંજોગોમાં હવે પાટીદાર આંદોલનકારીઓ પર દબાણ ઉભુ કરવા ભાજપે તૈયારીઓ કરી છે તેમાંયે અમિત શાહે એક ખાનગી કંપની પાસે સર્વે કરાવીને હાર્દિક પટેલને સાથ આપનારાં ૨૬૭ પાટીદાર સાથીઓની ખાનગી માહિતી એકત્ર કરી છે. સૂત્રોના મતે, હાર્દિક પટેલ હવે ભાજપ સામે આરપારની લડાઇના મૂડમાં છે. માત્ર હાર્દિક પટેલ જ નહીં, પાટીદાર સમાજ પણ અનામતના મુદ્દે ભાજપને રાજકીય સબક શીખવાડવા ચૂંટણીની રાહમાં છે. ભાજપ પણ ખુદ સ્વિકારે છેકે, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતદારો વિના ચૂંટણી જીતવી શક્ય નથી. પાટીદારને રિઝવવા હવે અઘરાં બન્યાં છે. દબાણની રાજનીતિથી માણસને વશ કરવો, મજબૂર કરવો એ અમિત શાહની સ્ટાઇલ રહી છે. અમિત શાહે અમદાવાદમાં એસજી હાઇવે સ્થિત ખાનગી કંપનીને સર્વેનુ કામ સોંપ્યું હતું. આ કંપનીએ હાર્દિક પટેલને સાથ આપનારાં ૨૬૭ જણાંની ગુપ્ત માહિતી એકત્ર કરીને અમિત શાહને રિપોર્ટ સોંપ્યો છે. હાર્દિક પટેલને કોણ કોણ ફંડ આપી રહ્યું છે, કોણ સાથ સહકાર આપી રહ્યું છે,સાથ આપનારાંનું વતન,સાસરૃ,પરિવારજન,જ્ઞાાતિ અને વ્યવસાય સહિતની વિગતો એકત્ર કરાઇ છે. સૂત્રો કહે છેકે, મહેસાણાના એક સિરામિક ઉદ્યોગકાર કે જેને વર્ષે દહાડે ગુજરાત સરકારમાંથી પાંચ કરોડના કોન્ટ્રાક્ટ મળે છે તે હાર્દિક પટેલના હિતેચ્છુ છે. આ જ પ્રમાણે, ગાંધીધામમાં એક એક્સપોર્ટ પણ પાટીદાર આંદોનકારીઓના સાથી છે. આવા ઘણાં નામો છે જે આ ખાનગી સર્વેની વાત કરીને ડરાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ભાજપ સરકાર કોઇને કોઇ બહાને આ ઉદ્યોગકારોને હેરાન કરી શકે છે.