1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (19:01 IST)

વડોદરામાં ભંગાર હાલતમાં ગેરેજમાં પડેલા ટુ-વ્હીલરનો ઇ-મેમો ઘરે આવ્યો

વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે. પરંતુ, ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતાં હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં 4 વર્ષથી ટાયર વગર ગેરેજમાં બંધ હાલતમાં પડી રહેલા એક્ટિવાના માલિકને ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવતા એક્ટિવા માલિક ચોંકી ઉઠ્યો હતો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરામાં સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં દરેક સર્કલ પર CCTV લગાડવામાં આવ્યા છે અને કેમેરા દ્વારા ટ્રાફિકનું નિયમન કરવાની સાથે ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરે તેને દંડ ફટકારવામાં આવે છે. જોકે, ટેક્નોલોજી દ્વારા સંચાલિત સિસ્ટમ થકી કેટલીક વખત ખોટી રીતે ઇ-મેમો મોકલવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશમાં આવી ચુક્યા છે. જેમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 4 વર્ષથી ગેરેજમાં પડી રહેલી એક્ટીવાનો ઇ-મેમો મોકલી આપવામાં આવ્યો છે. જેમાં ચાલુ ચાલુ એક્ટિવામાં મોબાઇલ પર વાત કરવા બદલ ઇ-મેમો આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.વડોદરા શહેરના વાઘોડિયો રોડ પર રહેતા 32 વર્ષિય સંદિપ પંચાલ ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા છે. સંદિપ પંચાલે જણાવ્યું હતું કે, મારૂ ટુ-વ્હીલર છેલ્લા 4 વર્ષથી વગર ટાયરે ગેરેજમાં ખખડધજ હાલતમાં પડ્યુ છે. આ એક્ટિવા મારા પિતા કમલભાઇના નામે છે. તે એક્ટિવાનો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મને મેમો મળ્યો હતો. મેમો મળતા જ હું ચોંકી ઉઠ્યો હતો. જે વાહન અમે વર્ષો પહેલા જ મૂકી દીધુ તેનો મેમો કેવી રીતે આવી શકે.વધુમાં સંદિપ પંચાલે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે મેમોમાં વાહનની નંબર પ્લેટ જોવા મળતી હોય છે, પરંતુ, મને મળેલા મેમોમાં ટુ-વ્હીલર દેખાય છે, પરંતુ, તેની નંબર પ્લેટ દેખાતી નથી. હવે જે વાહન છેલ્લા 4 વર્ષથી વગર ટાયરે પડી રહ્યું હોય તેને મેમો કેવી રીતે આવી શકે. અથવા તો એક શક્યતા એવી પણ છે કે, કોઇએ એક જ નંબરની બીજી પ્લેટ બનાવીને વાહન ચલાવતું હોય, પોલીસે આ પ્રકારના કિસ્સામાં સઘન તપાસ કરવી જોઇએ.સંદિપ પંચાલે જણાવ્યું હતું કે, જે વાહન ચાલતું નથી તેને મેમો મળવાને કારણે થોડીક ચિંતા અનુભવી રહ્યો છું. કાલે કોઇ આ રીતે નંબર પ્લેટનો દુરઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો આખરે ભોગવવાનું તો મારે આવી શકે છે અને પોલીસ દ્વારા મને આપવામાં આવેલો મેમો ખોટો છે. તેને રદ્દ કરવો જોઇએ તેવી માગ પણ તેણે કરી હતી.