ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જૂન 2022 (08:55 IST)

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન અપાશે

jitu vaghani
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના બાળકો શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાથી પરિચિત થાય થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
 
જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષણની સાથે સાથે રાજ્યના કલા વારસાથી પરિચિત કરવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ વારસાનું આવનારી પેઢીમાં જતન થાય તેવા આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. 
 
તેમણે ઉમેર્યું કે, રાજ્યભરની સરકારી શાળાઓમાં અપાતાં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે.
 
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ સ્થળ એવા વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી બાળકોને આપવામાં આવશે.